ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ગરબા મહોત્સવ: ઉદયપુરમાં પ્રી-નવરાત્રી, દિલ્હી ખાતે શરદપૂનમે પોસ્ટ-નવરાત્રી ઉજવણી

ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ગરબા મહોત્સવ: ઉદયપુરમાં પ્રી-નવરાત્રી, દિલ્હી ખાતે શરદપૂનમે પોસ્ટ-નવરાત્રી ઉજવણી

ગુજરાતના લોકપ્રિય લોકનૃત્ય ગરબા, જેને યુનેસ્કોએ માનવતાના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે માન્યતા આપી છે, હવે રાજ્યની બહાર પણ રમાડાશે. ગુજરાત સરકાર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રથમવાર ઉદયપુર અને દિલ્હી ખાતે વિશાળ ગરબા મહોત્સવ યોજાવાનો છે.

આગામી 14 સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે 7:30 કલાકે ઉદયપુરના ફિલ્ડ ક્લબ ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ 2025”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગાયક પાર્થિવ ગોહિલ લાઈવ પરફોર્મ કરશે સાથે જ ગુજરાતી લોકનૃત્યો જેમ કે તલવાર રાસ, ગોફ ગૂંથણ અને મણિયારો રાસનું અનોખું પ્રદર્શન થશે.

પ્રથમવાર પોસ્ટ-નવરાત્રી અંતર્ગત દિલ્હીમાં શરદપૂનમની રાત્રે વિશેષ ગરબા મહોત્સવ યોજાશે. આથી દિલ્હીવાસીઓ પણ પરંપરાગત ગુજરાતી ગરબાની મજા માણી શકશે.

ઉત્સવની તૈયારીઓ અંતર્ગત, 8 થી 13 સપ્ટેમ્બર દરમિયાન ઉદયપુરના JCA ડાન્સ એન્ડ સ્પોર્ટ્સ ફિટનેસ હબ ખાતે નિઃશુલ્ક ગરબા વર્કશોપનું આયોજન થશે. સવારે 10થી 1 અને સાંજે 7થી 11 સુધી ચાલનારા આ વર્કશોપમાં સ્થાનિકો તેમજ મુલાકાતીઓને ગરબાની તાલ-લય શીખવા મળશે. વધુ વિગતો માટે મો. 63581 44611 પર સંપર્ક કરી શકાશે.

ગુજરાત પ્રવાસન વિભાગે જણાવ્યું કે આ ઉત્સવનો હેતુ ગુજરાતની સંસ્કૃતિનો પરિચય કરાવવાનો છે. આ કાર્યક્રમ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનો સાંસ્કૃતિક સેતુ સાબિત થશે.

ઉત્સવ દરમ્યાન પરંપરાગત પોશાક ફરજિયાત રહેશે અને પ્રવેશ સર્વે માટે નિઃશુલ્ક હશે. શ્રેષ્ઠ પરંપરાગત પોશાક, શ્રેષ્ઠ ગરબા પ્રદર્શન અને શ્રેષ્ઠ ખેલૈયાઓ માટે રૂ.5000 સુધીના આકર્ષક વાઉચર-ઇનામો પણ જાહેર કરવામાં આવશે. સાથે જ, આ ઉત્સવમાં નૃત્ય અને સંગીત સિવાય ગુજરાતની હસ્તકલા અને પરંપરાગત વ્યંજનોનો સ્વાદ માણવાની તક પણ મળશે.

 

Leave a Reply

Your email address will not be published.