કાઠમંડુઃ નેપાળમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પ્રતિબંધ બાદ ભડકેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. યુવાનો દ્વારા શરૂ કરાયેલ આંદોલનને “Gen-Z આંદોલન” નામ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી 19 લોકોના મોત થયા છે અને 250થી વધુ ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે.
કાઠમંડુમાં હજારો વિદ્યાર્થીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા બાદ તોડફોડ અને આગચંપી થઈ. ધીમે ધીમે આક્રોશ અન્ય શહેરોમાં પણ ફેલાતા કર્ફ્યુ લાગુ કરવો પડ્યો અને પરિસ્થિતિ કાબુમાં લેવા સેનાને તૈનાત કરવી પડી. હિંસક ઘટનાઓ બાદ નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે.
સરકારે કાઠમંડુ, બૂટવલ, ભૈરહવા અને ઈટહરી સહિતના શહેરોમાં કર્ફ્યુ જાહેર કર્યો છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના નિવાસસ્થાનો સહિત સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે કાયદાનો ભંગ અને બંધારણનું અપમાન સહન કરાશે નહીં.
Gen-Z આંદોલનને નેપાળના લોકપ્રિય કલાકારો અને સેલિબ્રિટીઓએ પણ ખુલ્લું સમર્થન આપ્યું છે.
બીજી તરફ, નેપાળી સરકારનું કહેવું છે કે આંદોલનમાં અસામાજિક તત્ત્વો જોડાયા છે, જેનો હેતુ સત્તા પલટવાનો છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ સુરક્ષા દળોને ઉગ્ર પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.
વિરોધની લહેરને કારણે અનેક શાળાઓને આગામી બે દિવસ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે અને 9 થી 11 સપ્ટેમ્બર સુધીની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. સંસદનો દરવાજો સળગાવવાનો બનાવ અને પોલીસ-યુવાનો વચ્ચે અથડામણ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. વિશ્વભરના માનવાધિકાર સંગઠનો દ્વારા વિદ્યાર્થીઓ પર ગોળીબારની ઘટનાની કડક ટીકા કરવામાં આવી છે.
આ આંદોલન હવે “Gen-Z રિવોલ્યૂશન” તરીકે ઓળખાઈ રહ્યું છે, જેમાં હજારો યુવાનો ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધનો વિરોધ કરી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રહ્યા છે. વડાપ્રધાન ઓલીના રાજીનામાની માંગણી સાથે નેપાળનું રાજકારણ હચમચી ઉઠ્યું છે.

Leave a Reply