કાઠમંડુ સહિત નેપાળના મોટા શહેરોમાં આજે સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરુદ્ધ યુવાનોનું Gen-Z રિવોલ્યૂશન ભભૂકી ઉઠ્યું. વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારે 4 સપ્ટેમ્બરથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને X સહિત 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય સામે હજારોની સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું.

પ્રદર્શન ઉગ્ર બનતાં કાર્યકરોએ સંસદ ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. સુરક્ષાદળોએ ટિયર ગેસનો ઉપયોગ કર્યો, પરંતુ પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા ફાયરિંગ કરાયું. જેમાં એક વિદ્યાર્થીના મોત થયા જ્યારે 80થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ઘટનાના પગલે તંત્રએ કાઠમંડુમાં કર્ફ્યુ લાગુ કર્યો તેમજ ફોન અને ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી.

આંદોલન ફક્ત સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે મર્યાદિત નથી, પરંતુ લાંબા સમયથી ચાલતા ભ્રષ્ટાચાર, બેરોજગારી, અસમાનતા અને નિષ્ફળ શાસન વિરુદ્ધ યુવાનોના ગુસ્સાનો વિસ્ફોટ છે. પ્રદર્શનકારીઓએ સરકાર પર નાગરિકોની આઝાદી છીનવવાનો આરોપ મૂક્યો અને “ડિજિટલ નાગરિકો”ની પેઢી માટે અવાજ ઉઠાવ્યો.

1995 પછી જન્મેલા Gen-Z યુવાનો ઈન્ટરનેટ અને ટેક્નોલોજી સાથે મોટા થયા છે. તેઓ વૈશ્વિક ન્યાય, સમાનતા અને રોજગારીની તકો માટે જાગૃત છે. પરંતુ પોતાના દેશમાં બેરોજગારી અને ભ્રષ્ટાચારને કારણે મોટી સંખ્યામાં યુવાઓ વિદેશમાં સસ્તા મજૂરીના કામ માટે મજબૂર બન્યા છે. જ્યારે રાજકારણીઓના પરિવારો વૈભવી જીવન જીવી રહ્યા છે. આ અસમાનતા સામેની લડતને હવે સોશિયલ મીડિયા પ્રતિબંધે જ્વલંત ચિંગારી આપી છે.

Leave a Reply