વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી-નટુભાઈ સર્કલ પાસે આવેલી તરૂણનગર સોસાયટી છેલ્લા દસ વર્ષથી ભારે વરસાદ પછી પાણી ભરાવાની સમસ્યાથી ઝઝૂમી રહી છે. 29 મકાનવાળી આ સોસાયટીમાં મોટાભાગે 70 થી 80 વર્ષની વયના વયોવૃદ્ધ લોકો વસે છે, જેઓને વરસાદી પાણી અને ગટરના બેકમારીને કારણે ઘરમાંથી બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
છેલ્લા ત્રણ દિવસથી ઘરોમાં પાણી ફરી વળતાં રહીશો ઘરમાં જ બંધાયા છે. પાણી ભરાવા સાથે મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ વધ્યો છે. રહીશોના કહેવા મુજબ, ચૂંટણી સમયે પ્રશ્નો સાંભળીને ઉકેલ આપવાની ખાતરી આપવામાં આવે છે, પરંતુ પછી બજેટ મંજૂર ન થવાના બહાનાથી તંત્ર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવે છે.
વિશેષ વાત એ છે કે તરૂણનગર સોસાયટી નીચાણવાળી ન હોવા છતાં પાણી ભરાય છે, જ્યારે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાતું નથી. દુર્ગંધયુક્ત ગટરનું પાણી પણ બેક મારતા રહીશો ત્રસ્ત છે. વયોવૃદ્ધોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં તેમજ વેપારી-કર્મચારીઓને દૈનિક કાર્યો માટે જવામાં ગંભીર અવરોધો ઉભા થાય છે.

સ્થાનિક રહીશો વારંવાર કોર્પોરેટરોને રજૂઆત કરતા આવ્યા છે. છતાં, માત્ર એક મહિલા કોર્પોરેટર ક્યારેક મદદરૂપ બને છે, જ્યારે પાલિકાના અન્ય જવાબદારોએ કોઈ અસરકારક પગલાં લીધા નથી. બે દિવસ પહેલાં પણ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ “સ્ટાફ રજા પર છે, બાદમાં કામ થશે” એવો જવાબ મળ્યો હતો.
રહીશો હવે તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી રહ્યા છે જેથી દર વર્ષની જેમ ફરી આ સમસ્યા ન સર્જાય અને તાત્કાલિક આરોગ્ય તથા દૈનિક જીવન માટેની મુશ્કેલીઓ દૂર થાય.

Leave a Reply