અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા સરકારે રાજ્યમાં શંકાસ્પદ વિદેશીઓને 10 દિવસની અંદર પોતાની નાગરિકતા સાબિત કરવાનો આદેશ આપ્યો છે. રાજ્ય કેબિનેટે પ્રવાસી (અસમમાંથી હકાલપટ્ટી) અધિનિયમ, 1950 હેઠળ નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ને મંજૂરી આપી છે.
આ નિયમ મુજબ જિલ્લા કમિશનરો શંકાસ્પદ વિદેશીઓને નોટિસ આપશે અને તેઓ 10 દિવસમાં નાગરિકતા સાબિત ન કરી શકે તો તેમની હકાલપટ્ટીનો આદેશ આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ નવી SOP લાગુ થતા હવે આવા કેસ વિદેશી ટ્રિબ્યુનલને મોકલવાને બદલે સીધા જિલ્લા ઉપાયુક્તો દ્વારા સંભાળવામાં આવશે. જો કોઈ વ્યક્તિ નાગરિકતા પુરવાર કરવામાં નિષ્ફળ જશે, તો ઉપાયુક્ત તેને અટકાયત કેન્દ્રમાં મોકલી દેશે, જ્યાંથી BSF તેને બાંગ્લાદેશ કે પાકિસ્તાન ખસેડશે.
સરકાર મુજબ વિદેશી ટ્રિબ્યુનલની ભૂમિકા હવે મર્યાદિત રહેશે અને માત્ર ગૂંચવણભર્યા કેસ જ ત્યાં મોકલવામાં આવશે. આ વર્ષે જૂનમાં વિધાનસભામાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે અસમ સરકાર IEAA 1950 અધિનિયમને અમલમાં લાવશે.
આ નિર્ણય સુપ્રીમ કોર્ટના ઓક્ટોબર 2024ના ચુકાદા બાદ લેવામાં આવ્યો છે, જેમાં 24 માર્ચ, 1971 પછી અસમમાં પ્રવેશ કરનારાઓને ‘ગેરકાયદેસર ઇમિગ્રન્ટ’ ગણાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ અધિનિયમ જવાહરલાલ નહેરુ સરકારે પૂર્વ પાકિસ્તાનથી થતા સ્થળાંતરને રોકવા માટે 1950માં લાવ્યો હતો. પરંતુ લિયાકત-નહેરુ સમજૂતીને ધ્યાનમાં રાખીને, લાગુ થયા પછી માત્ર એક મહિનામાં જ તત્કાલીન અસમના મુખ્યમંત્રી ગોપીનાથ બારદોલોઈને નહેરુએ તેના અમલ પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો હતો.
ત્યારથી આ અધિનિયમ ઉપયોગમાં નહોતો લેવાયો. હવે સરમા સરકારે તેને ફરી અમલમાં મૂકીને કડક કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply