નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલા ગુજરાતીઓ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત સંપર્કમાં, પ્રવાસીઓને પરત લાવવા પ્રયાસ તેજ

નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલા ગુજરાતીઓ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત સંપર્કમાં, પ્રવાસીઓને પરત લાવવા પ્રયાસ તેજ

નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા બાદ અનેક ભારતીય પ્રવાસીઓ મુશ્કેલીમાં ફસાયા છે, જેમાં ગુજરાતના પણ ઘણા લોકોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને કેન્દ્ર સરકાર દ્વારા ફસાયેલા પ્રવાસીઓને સલામત રીતે પરત લાવવા માટે જરૂરી તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના નારીગામથી 43 શ્રદ્ધાળુઓ નેપાળ પ્રવાસે ગયા હતા અને હાલ તેઓ ત્યાં હોટેલમાં સુરક્ષિત છે. MLA જીતુ વાઘાણીએ તેમની સાથે વાત કરી તેમને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપી છે, જ્યારે તંત્રે ઝડપથી મુશ્કેલીમાંથી બહાર લાવવાની ખાતરી આપી છે.

ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) નેપાળની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. MEAએ નિવેદનમાં કહ્યું કે, “અમે નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને અનેક નિર્દોષ જીવ ગુમાવવાના બનાવથી દુઃખી છીએ. અમારી સંવેદના મૃતકોના પરિવારજનો સાથે છે અને ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.”

ભારતે આશા વ્યક્ત કરી છે કે નેપાળની પરિસ્થિતિ જલદી શાંતિપૂર્ણ રીતે ઉકેલાશે. સાથે જ, નેપાળમાં રહેલા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓની માર્ગદર્શિકા અનુસરવા અપીલ કરવામાં આવી છે.

વિરોધ પ્રદર્શનોને કારણે કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર આશરે 400 જેટલા ભારતીય નાગરિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ઘણી ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

કેટલાક લોકોએ વીડિયો સંદેશ મોકલી જણાવ્યુ છે કે ઈમિગ્રેશન પૂર્ણ કર્યા બાદ એરલાઈન સ્ટાફ તેમને એરપોર્ટ પર છોડીને ચાલ્યા ગયા છે અને મદદ માટે કોઈ હાજર નથી. એરપોર્ટની બહાર અરાજકતા ફેલાઈ હોવાને કારણે ફસાયેલા ભારતીયોમાં ડરનો માહોલ છે.

 

Leave a Reply

Your email address will not be published.