નેપાળમાં ભારતીયો ફસાયા: મહિલાનો આક્રંદ : “હોટેલને આગ લગાવી, દંડા લઈને મારી પાછળ દોડ્યા”

નેપાળમાં ભારતીયો ફસાયા: મહિલાનો આક્રંદ : “હોટેલને આગ લગાવી, દંડા લઈને મારી પાછળ દોડ્યા”

નેપાળમાં ચાલી રહેલા હિંસક સરકાર વિરોધી પ્રદર્શનો વચ્ચે અનેક ભારતીય નાગરિકો મુશ્કેલીમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. આ દરમિયાન પોખરામાં રહેલી ભારતીય મહિલા ઉપાસના ગિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેમણે પોતાનો ભયાનક અનુભવ જણાવી ભારતીય દૂતાવાસને મદદ માટે અપીલ કરી છે.

ઉપાસના ગિલે જણાવ્યું કે તેઓ વૉલીબૉલ લીગના આયોજન માટે નેપાળ ગઈ હતી, પરંતુ જે હોટેલમાં તેઓ રોકાયા હતા તેને આગ ચાંપી દેવામાં આવી અને તેમનો તમામ સામાન બળી ગયો. તેમણે જણાવ્યું કે ઘટનાસ્થળે ભીડ દંડા લઈને તેમની પાછળ દોડી રહી હતી અને તેઓ માંડ માંડ જીવ બચાવીને ભાગી શક્યાં.

ઉપાસનાએ કહ્યું કે, હાલ પોખરામાં પરિસ્થિતિ અત્યંત ભયજનક છે, દરેક જગ્યાએ આગ લગાવવામાં આવી રહી છે અને વિરોધકારીઓ પ્રવાસીઓને પણ નથી છોડતા. તેમને આશંકા છે કે હવે બીજી હોટેલમાં રહેવું પણ મુશ્કેલ બની શકે છે અને તેઓ તથા અન્ય ઘણા ભારતીય નાગરિકો ફસાયેલા છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મંગળવારે સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નેપાળમાં વિકસતી રાજકીય અને સામાજિક પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને આશા છે કે પરિસ્થિતિ જલદી શાંતિપૂર્ણ રીતે સમાધાન તરફ જશે.

મંત્રાલયે નેપાળમાં હાજર તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા, રસ્તા પર બહાર ન નીકળવા અને નેપાળી અધિકારીઓ તથા કાઠમાંડુ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલી તમામ સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

સાથે જ ભારત સરકારે પોતાના નાગરિકોને પરિસ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી નેપાળ યાત્રા ટાળવાની સલાહ આપી છે.

કાઠમાંડુ અને અન્ય મોટા શહેરોમાં કર્ફ્યુ લાગુ હોવા અંગેની જાણકારી પણ આપી છે અને તમામને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા કહ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published.