પંચમહાલના ઘોઘંબા પાસે ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, પૂજારીનું મોત, 12 કામદારો ઇજાગ્રસ્ત

પંચમહાલના ઘોઘંબા પાસે ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, પૂજારીનું મોત, 12 કામદારો ઇજાગ્રસ્ત

પંચમહાલ: ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપની (GFL) માં બુધવારે બપોરે ગેસ લીકેજની ગંભીર ઘટના બની હતી. રેફ્રિજરેશન ગેસ બનાવતા પ્લાન્ટમાં થયેલા લીકેજને કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 12 કામદારોને ગેસ ગળતરની અસર થતાં ઇજા પહોંચી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, ગેસ લીકેજ થતાં કંપનીના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી અને લગભગ 15 મિનિટમાં લીકેજને નિયંત્રણમાં લાવી પ્લાન્ટને શટડાઉન કરી દીધો હતો. દુર્ઘટનામાં કંપની કમ્પાઉન્ડમાં આવેલા મંદિરના પૂજારી ગંભીર અસરના કારણે મોતને ભેટ્યા હતા. ઇજાગ્રસ્ત કામદારોને પ્રથમ તબક્કે કંપનીના આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી અને ત્યારબાદ તેમને હાલોલ તેમજ વડોદરાની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ રાજગઢ પોલીસ, વહીવટી તંત્ર અને જિલ્લા પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સૌપ્રથમ તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ગેસ લીકેજના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવશે.

આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનું માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકો અને કામદારો વચ્ચે ઉદ્યોગોની સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.

Leave a Reply

Your email address will not be published.