વડોદરા જિલ્લામાં માનવ-વન્યજીવન સંઘર્ષનો ગંભીર મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, વિશ્વામિત્રી નદીના પટમાં હાલમાં 442 મગર વસે છે. ઉપરાંત ઓરસંગ અને ઢાઢર નદીમાં પણ મગરોની મોટી સંખ્યા છે.
ગયા એક વર્ષ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરના હુમલામાં કુલ 8 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે આ તમામ મૃતકોના પરિવારોને રૂ. 65 લાખનું વળતર ચૂકવ્યું છે. શહેર વિસ્તારમાં મગરના હુમલાના એક પણ બનાવ નોંધાયા નથી.
વનખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ, મગર સામાન્ય રીતે માનવ પર હુમલો કરતા નથી, પરંતુ જ્યારે તેમને પોતાની સુરક્ષાને ખતરો લાગે અથવા તેમના ઇંડા જોખમમાં હોય ત્યારે જ તે હુમલો કરે છે.

નદી કિનારા પર ચેતવણી બોર્ડ મૂકાયા હોવા છતાં કેટલાક લોકો પાણીમાં જતા હોય છે, જેના કારણે દુર્ઘટનાઓ બને છે. સરકારના નિયમ મુજબ, જંગલી પ્રાણીના હુમલામાં માનવના મૃત્યુ પર હવે રૂ. 10 લાખનું વળતર આપવામાં આવે છે, જે અગાઉ રૂ. 5 લાખ હતું. વર્ષ 2024-25માં મૃતકોના પરિવારજનોને આ વધારેલા વળતરની રકમ ચૂકવવામાં આવી છે.
વિશ્વામિત્રી નદીમાં મગરનો મુખ્ય ખોરાક માછલી, પક્ષી અને સુવર છે, જ્યારે નદી કિનારે પાણી પીવા આવેલા કુતરા અને પશુઓ પર પણ તે હુમલો કરે છે. ખાસ કરીને જાન્યુઆરીથી જૂન દરમિયાન મગરના હુમલાના બનાવ વધુ જોવા મળે છે.
જિલ્લામાં દીપડાના હુમલાથી માનવના મોતના બનાવ નોંધાયા નથી, પરંતુ વર્ષ 2024-25માં દીપડાએ 73 પશુનું મારણ કર્યું હતું. આ નુકસાન માટે પશુપાલકોને કુલ રૂ. 4,12,000નું વળતર રાજ્ય સરકારે ચૂકવ્યું છે.

Leave a Reply