પાટીદાર અનામત આંદોલન સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધુ વધી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટએ કડક વલણ અપનાવતા હાર્દિક પટેલ વિરુદ્ધ બીજીવાર ધરપકડ વોરન્ટ બહાર પાડ્યું છે. કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેવા છતાં ન્યાયિક પ્રક્રિયાનો સામનો ન કરતાં આ પગલું લેવામાં આવ્યું છે.
આ કેસની અગાઉ 10 સપ્ટેમ્બરના રોજ સુનાવણી દરમિયાન પણ હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યા નહોતા, જેના પગલે પ્રથમ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. તેમ છતાં, આજે (12 સપ્ટેમ્બર) પણ તેઓ કોર્ટમાં હાજર રહ્યા નહીં, જેના કારણે કોર્ટએ ફરીથી ધરપકડ વોરન્ટ બહાર પાડ્યો છે. કોર્ટના આ આદેશ બાદ પોલીસ હવે હાર્દિક પટેલને ઝડપી કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી કરી શકે છે.

આ કેસ વર્ષ 2018માં નોંધાયો હતો, જ્યારે હાર્દિક પટેલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાટીદારોને અનામત આપવાની તથા ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.
આંદોલન દરમિયાન પોલીસે કાર્યવાહી કરતા ઘર્ષણ સર્જાયું હતું અને અપશબ્દો તથા હાથાપાઇની ઘટનાઓ બની હતી. ત્યારબાદ પોલીસે હાર્દિક પટેલ, ગીત પટેલ અને કિરણ પટેલ સહિત કુલ ત્રણ લોકો સામે કાયદો-વ્યવસ્થાનો ભંગ અને પોલીસ સાથે ગેરવર્તણૂકના ગુના દાખલ કર્યા હતા.
એક ધારાસભ્ય તરીકે કોર્ટની સુનાવણી દરમિયાન સતત ગેરહાજર રહેવું હાર્દિક પટેલ માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે અને કાયદાકીય દબાણ વધારતું જઈ રહ્યું છે.

Leave a Reply