અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં એક દિલ દહોળી નાંખે તેવી ઘટના બની છે, જેમાં ભારતીય મૂળના 50 વર્ષીય ચંદ્રમૌલી નાગમલ્લૈયાની તેમના મોટલમાં કુહાડીથી હત્યા કરી દેવામાં આવી. ઘટના 10 સપ્ટેમ્બરના રોજ ડાઉનટાઉન સ્યુટ્સ મોટલમાં બની હતી, જ્યાં નાગમલ્લૈયાની પત્ની અને પુત્ર પણ હાજર હતા.
ડલાસ પોલીસે જણાવ્યું હતું કે આરોપી યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેને ધરપકડ કરવામાં આવી છે. આરોપી પર બૉન્ડ વિનાની ધરપકડનો આદેશ જારી કરવામાં આવ્યો છે અને તેના પર ઇમિગ્રેશન ડિટેનરનો કેસ પણ દાખલ થયો છે.
પ્રાથમિક તપાસ મુજબ, નાગમલ્લૈયાએ આરોપી અને તેની મહિલા સાથીદારને ખરાબ વોશિંગ મશીનનો ઉપયોગ ન કરવા ચેતવણી આપી હતી. આ બાબતે થયેલી તર્કવિતર્ક પછી કોબોસ-માર્ટિનેઝ ગુસ્સામાં આવી ગયો અને રૂમમાંથી બહાર આવી કુહાડી વડે નાગમલ્લૈયા પર હુમલો કર્યો.
નાગમલ્લૈયા મદદ માટે બુમો પાડતો મોટલના પાર્કિંગ સુધી દોડ્યો, પરંતુ આરોપીએ તેનો પીછો કરીને વારંવાર કુહાડીથી હુમલો કર્યો.
નાગમલ્લૈયાની પત્ની અને પુત્ર વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને દૂર ધકેલી દેવામાં આવ્યા. CCTV ફૂટેજ મુજબ, આરોપીએ હત્યા બાદ નાગમલ્લૈયાની ગરદન પર લાત મારી અને મૃતદેહને કચરાપેટીમાં ફેંકી દીધો.
ડલાસ ફાયર-રેસ્ક્યુ ટીમના કર્મચારીઓએ ઘટના સ્થળે હાજર રહીને આરોપીને પકડી પાડવામાં પોલીસને મદદ કરી. પોલીસ મુજબ, આરોપીએ ગુનો કબૂલ કર્યો છે, પરંતુ આ હુમલો પૂર્વયોજિત હતો કે નહીં તેની તપાસ ચાલુ છે.
આ ઘટનાએ ડલાસ અને અમેરિકામાં ભારતીય સમુદાયને હચમચાવી દીધા છે.

Leave a Reply