ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ નજીક ગુરુવાર સાંજે એક મોટો માર્ગ અકસ્માત બન્યો હતો. હરદોઈથી લખનઉ તરફ જઈ રહેલી સરકારી બસ અચાનક કાબૂ ગુમાવતાં માર્ગ પર પલટી ગઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ મુસાફરોના મોત થયા છે, જ્યારે દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી. ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
લખનઉ પોલીસ કમિશનર અમરેન્દ્ર સિંહ સેંગરે પુષ્ટિ કરી કે ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે અને 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે.

પ્રાથમિક તપાસ મુજબ, ઘટના સમયે માર્ગ પર રોડનું કામ ચાલી રહ્યું હતું અને રસ્તા પર પાણી છાંટવામાં આવી રહ્યું હતું, જેના કારણે બસ સ્લિપ થઈ ગઈ હોવાની શક્યતા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને અધિકારીઓને ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા તથા ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ પેદા કર્યું છે.

Leave a Reply