ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં યોજાયેલી દિશા (જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ) બેઠક દરમિયાન કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને રાજ્ય સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ વચ્ચે તીખી બોલાચાલી થઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રાહુલ ગાંધી તેમની રાયબરેલીની બે દિવસીય મુલાકાત પર છે, જ્યાં તેઓ સંગઠન સ્તરની બેઠકો કરી રહ્યા છે. મુલાકાતના પહેલા દિવસે દિનેશ સિંહ અને તેમના સમર્થકોએ રાહુલ ગાંધીના આગમનનો વિરોધ કરતાં ‘પાછા જાઓ’ના સૂત્રોચ્ચાર સાથે ધરણાં કર્યા હતા. આજે યોજાયેલી દિશા બેઠક દરમિયાન તણાવ વધી ગયો અને બંને નેતાઓ વચ્ચે ચર્ચા ઉગ્ર બની.
મીડિયા સાથે વાત કરતાં દિનેશ સિંહે જણાવ્યું કે રાહુલ ગાંધી બેઠક દરમિયાન દિશાના મુદ્દાઓથી અલગ વિષયો પર ચર્ચા કરવા માગતા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે દિશા બેઠકના નિયમો પ્રમાણે માત્ર 43 નક્કી કરાયેલા કાર્યક્રમો પર જ ચર્ચા થઈ શકે છે. “રાહુલ ગાંધી દિશાના સુપરવાઈઝર છે, માલિક નહીં. અમે આ મંચનો રાજનીતિ માટે ઉપયોગ થવા નહીં દઈએ,” દિનેશ સિંહે કહ્યું.
વીડિયોમાં રાહુલ ગાંધી કહેતા જોવા મળે છે કે તેઓ બેઠકના અધ્યક્ષ છે અને આવી પરિસ્થિતિ સ્વીકારી શકશે નહીં. તેના જવાબમાં દિનેશ સિંહે કહ્યું કે તેઓ નિયમોની બહાર બેઠક થવા નહીં દઈ શકે.
બેઠક બાદ રાહુલ ગાંધીએ ધારાસભ્યો અને બ્લોક પ્રમુખો સાથે હાથ મિલાવ્યો હતો. દિનેશ સિંહના પુત્ર સાથે હાથ મિલાવતો એક ફોટો વાયરલ થતાં મંત્રીએ સ્પષ્ટતા આપી કે રાહુલ ગાંધી તમામ સાથે હાથ મિલાવી રહ્યા હતા, પરંતુ કેટલાક લોકોએ માત્ર તેમના પુત્ર સાથેનો ફોટો વાયરલ કર્યો.
તેમણે વધુમાં કહ્યું કે ભારતીય સંસ્કૃતિ અનુસાર તેમના પુત્રએ રાહુલ ગાંધીને પગે લાગી પ્રણામ કરવા માગ્યો હતો, પરંતુ કોંગ્રેસ પર પશ્ચિમી સંસ્કૃતિનું પ્રભાવ વધુ હોવાથી તેઓ આવું નથી કરતા.


Leave a Reply