પશ્ચિમી સિક્કિમના યાંગથાંગ વિસ્તારમાં ગુરુવાર (11 સપ્ટેમ્બર) મોડી રાત્રે ભારે વરસાદ બાદ વિનાશકારી ભૂસ્ખલન સર્જાયું. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો હજુ પણ ગુમ છે.
સિક્કિમ પોલીસ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં અધિકારીઓને તોફાની પાણી અને તેજ વહેતા પ્રવાહમાં દોરડા અને ટેકો લઈને ઉભા રહી બચાવ કામગીરી કરતા જોવા મળ્યા હતા.
પોલીસ અને SSBની સંયુક્ત ટીમે પૂરમાં વહેતી હ્યુમ નદી પર ઝાડના લાકડાનો ઉપયોગ કરીને કામચલાઉ પુલ બનાવ્યો હતો. આ પુલની મદદથી બચાવકર્મીઓએ અસરગ્રસ્ત વિસ્તારમાંથી બે ઈજાગ્રસ્ત મહિલાઓને સલામત બહાર કાઢવામાં સફળતા મેળવી.

ગેઝિંગ જિલ્લાના એસપી શેરિંગ શેરપાએ જણાવ્યું કે, ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમ્યાન એક મહિલાનું મૃત્યુ થયું. બીજી મહિલાની હાલત ગંભીર છે અને ત્રણ લોકો હજુ શોધખોળ હેઠળ છે.
પોલીસે જણાવ્યું કે ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં અનેક સ્થળોએ ભૂસ્ખલન નોંધાયા છે, જેના કારણે પરિવહન અને સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં પણ સિક્કિમના ગ્યાલશિંગ જિલ્લામાં અડધી રાત્રે ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં થાંગશિંગ ગામની 45 વર્ષીય બિષ્ણુ માયા પોર્ટેલના ઘરની દિવાલ તૂટી પડતાં તેનું મોત થયું હતું.

Leave a Reply