Asia Cup 2025 : Asia Cup 2025 : પાકિસ્તાને એશિયા કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે. આજે એશિયા કપની 10મી મેચ હતી જેમાં પાકિસ્તાન અને યુએઈ વચ્ચે મેચ થવાની હતી પણ શરુઆતમાં પાકિસ્તાને રમવાનો ઇન્કાર કર્યો. જે બાદ મેચ થશે કે નહીં તેને લઈને અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી. જોકે PCB અને ICCના અધિકારીઓની બેઠક બાદ પાકિસ્તાનની ટીમ મેચ રમવા માટે રાજી થઈ હતી.
PCBએ પાકિસ્તાનના ખેલાડીઓને આદેશ આપ્યા હતા કે તેઓ હોટલમાં જ રહે અને તેમને જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી સ્ટેડિયમ માટે રવાના થાય નહીં. જોકે એક કલાકના વિલંબ બાદ ખેલાડીઓ સ્ટેડિયમ માટે રવાના થઈ ગયા હતા.
જો પાકિસ્તાન ન રમ્યું હોત તો UAEમાં સીધું સુપર-4માં પહોંચી જાત
જો આજની મેચ ના થઈ હોત તો પાકિસ્તાનની ટીમ એશિયા કપ ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ હોત. UAEની ટીમને બે પોઇન્ટ મળી જતાં તે મેચ રમ્યા વિના જ સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગઈ હોત.
ભારત સાથેની મેચ બાદથી શરુ થયો હતો વિવાદ
રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચમાં ભારતની જીત થઈ હતી. જોકે મેચ બાદ ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નહોતો અને ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી નાંખ્યો હતો. જે બાદથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ રોષે ભરાયું હતું. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમ વિરુદ્ધ આરોપો લગાવ્યા. બાદમાં ICCમાં ફરિયાદ નોંધાવી મેચ રેફરીને પદથી હટાવવા માંગ કરી હતી.
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડનો દાવો છે કે ભારત સાથેની મેચમાં મેચ રેફરી પાયક્રોફ્ટે પાકિસ્તાની ટીમના કૅપ્ટન સલમાન અલી આગાને કહ્યું હતું કે તેઓ ટોસ સમયે સૂર્યકુમાર યાદવ સાથે હાથ ન મિલાવે, જે નિયમોનું ઉલ્લંઘન છે.
જોકે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડની માંગ સ્વીકારાઈ કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટીકરણ આવ્યું નહોતું.

Leave a Reply