વિશ્વના સૌથી ઝડપી દોડવીર ઉસૈન બોલ્ટને હવે પગથિયાં ચઢવામાં પણ તકલીફ! કરોડરજ્જુ વાંકી વળી ગઈ

Home » Latest Update » વિશ્વના સૌથી ઝડપી દોડવીર ઉસૈન બોલ્ટને હવે પગથિયાં ચઢવામાં પણ તકલીફ! કરોડરજ્જુ વાંકી વળી ગઈ
વિશ્વના-સૌથી-ઝડપી-દોડવીર-ઉસૈન-બોલ્ટને-હવે-પગથિયાં-ચઢવામાં-પણ-તકલીફ!-કરોડરજ્જુ-વાંકી-વળી-ગઈ

Usain Bolt struggles with scoliosis : એક સમયે વિશ્વને પોતાની ગતિથી ચકિત કરનાર જમૈકાના દોડવીર ઉસૈન બોલ્ટ હવે એક અલગ જ વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે દોડવાનું તો ઠીક, સીડી ચઢવા જેવું સામાન્ય કાર્ય પણ હવે તેમના માટે પડકારરૂપ બની ગયું છે. સીડી ચઢવામાં તેમનો શ્વાસ ચઢી જાય છે. ચાલો, જાણીએ કે કયા કારણસર ત્રણ વિશ્વ રેકોર્ડના માલિકની શારીરિક સ્થિતિ આવી થઈ ગઈ છે. 

તેજરફતાર દોડવીરની ગતિ આ કારણસર સ્થગિત થઈ ગઈ 

જમૈકાના આ મહાન દોડવીર નિવૃત્તિ લીધા પછી પણ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે ક્યારેક ક્યારેક દોડ લગાવતા હતા. ગયા વર્ષે એચિલીસ ટેન્ડોનમાં થયેલી ઇજાને કારણે તેમનું દોડવું બંધ થઈ ગયું હતું. કાફ મસલ્સ(ઘૂંટણની નીચેના, પગના પાછલા ભાગના સ્નાયુઓ)ને એડીના હાડકાં સાથે જોડતા મજબૂત સ્નાયુ-પટ્ટાને એચિલીસ ટેન્ડોન કહેવાય છે. એમાં ઈજા થતાં વ્યક્તિને ચાલવા-દોડવામાં અને સીડી ચઢવામાં પીડા થાય છે. રમતવીરોમાં આવી ઈજા થવી બહુ સામાન્ય ગણાય છે. 

બોલ્ટની કરોડરજ્જુ પણ વાંકી છે

એચિલીસ ટેન્ડોન કરતાંય વધુ ગંભીર સમસ્યાથી ઉસૈન બોલ્ટ પીડાઈ રહ્યા છે અને એ છે સ્કોલિયોસિસ નામની સ્થિતિ, જેમાં કરોડરજ્જુ વાંકી થઈ જાય છે. બોલ્ટની કરોડરજ્જુ પણ અંગ્રેજી ‘S’ આકારમાં વળેલી છે. આ સમસ્યા જોકે નવી નથી. બોલ્ટ ટીનેજર હતા ત્યારથી સ્કોલિયોસિસથી પીડાય છે.

વિશ્વના સૌથી ઝડપી દોડવીર ઉસૈન બોલ્ટને હવે પગથિયાં ચઢવામાં પણ તકલીફ! કરોડરજ્જુ વાંકી વળી ગઈ 2 - image

શારીરિક ખોડ હોવા છતાં અભૂતપૂર્વ કીર્તિમાન સ્થાપ્યા 

સ્કોલિયોસિસને કારણે કિશોરાવસ્થામાં જ બોલ્ટની કરોડરજ્જુ વાંકી વળી ગઈ હતી અને તેમનું શરીર જમણી તરફ ઝૂકી ગયું હતું, જેને પરિણામે તેમનો જમણો પગ ડાબા પગ કરતાં અડધો ઇંચ ટૂંકો થઈ ગયો હતો. આવા માણસ માટે દોડવું તો શું, શરીરનું સંતુલન જાળવીને ચાલવું પણ મુશ્કેલ બની જતું હોય છે. આ સ્થિતિને લીધે કારકિર્દીની શરૂઆતમાં તેમને વારંવાર ઇજાઓ થતી, પણ બોલ્ટે અથાગ મહેનતથી પોતાની આ સમસ્યાને કાબૂમાં લીધી અને દોડવીર તરીકે અનેરી સિદ્ધિઓ મેળવી. કોર મસલ્સને મજબૂત કરવાની કસરતો અને અન્ય ઉપચારો કરીને તેમણે સ્કોલિયોસિસની સમસ્યાને નિયંત્રિત કરી, અને હજુય કરતા રહે છે. આ વાત બોલ્ટે તેમની આત્મકથા ‘ફાસ્ટર ધેન લાઇટનિંગ’માં લખી છે. 

બોલ્ટના અભૂતપૂર્વ રેકોર્ડ હજુ અતૂટ છે

બોલ્ટની દોડવીર તરીકેની સિદ્ધિઓ આજે પણ અતુલ્ય છે. તેમણે 2008 થી 2016 દરમિયાન આઠ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અને 11 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. 9.58 સેકન્ડમાં 100 મીટર, 19.19 સેકન્ડમાં 200 મીટર અને 36.84 સેકન્ડમાં 4×100 મીટર રિલે દોડના તેમણે બનાવેલા વિશ્વ વિક્રમો હજુ પણ કોઈ તોડી નથી શક્યું. આ સિદ્ધિઓએ તેમને ઇતિહાસના મહાનતમ ખેલાડીઓમાં સ્થાન અપાવ્યું છે. 

વિશ્વના સૌથી ઝડપી દોડવીર ઉસૈન બોલ્ટને હવે પગથિયાં ચઢવામાં પણ તકલીફ! કરોડરજ્જુ વાંકી વળી ગઈ 3 - image

બોલ્ટ પારિવારિક જીવન જીવે છે

દોડવીર તરીકે અત્યંત ગૌરવશાળી કરિયર ધરાવતા બોલ્ટ 2017માં નિવૃત્ત થયા હતા. હાલમાં તેઓ તેમના વતન જમૈકામાં પરિવાર સાથે નિવૃત્ત જીવન ગાળે છે. તેમનો મોટાભાગનો સમય ઘરે આરામ કરવામાં, ટીવી પર કાર્યક્રમો જોવામાં અને પોતાના બાળકો સાથે લેગોના મોડેલ બનાવવામાં વિતે છે.

વર્તમાન દોડવીરો પ્રત્યે બોલ્ટનો દૃષ્ટિકોણ

વર્તમાન દોડવીરો વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં બોલ્ટ કહે છે કે, ‘આજે ટ્રેક ટેક્નોલોજીમાં ઘણો સુધારો થયો છે, ‘સુપર સ્પાઇક્સ’ ધરાવતાં બૂટને લીધે પણ દોડવીરોને વધુ મદદ મળે છે, છતાં આજના પુરુષ દોડવીરો અમારી પેઢી જેટલી ઝડપથી નથી દોડી શકતા, કેમ કે અમે વધુ પ્રતિભાશાળી હતા.’ તેમનું કહેવું છે કે ઝડપની બાબતે પુરુષ દોડવીરો પાછળ રહી ગયા છે, જ્યારે કે મહિલા દોડવીરોના સમયમાં સુધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published.