અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝા માટે જાહેર કરાયેલ $1,00,000ની નવી ફી અંગે ઊભી થયેલી ગેરસમજ દૂર થઈ ગઈ છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે આ ફી વાર્ષિક નહીં પરંતુ ફક્ત એક જ વખત લાગુ થશે અને તે પણ ફક્ત નવા અરજદારો માટે જ રહેશે. હાલના H-1B વિઝાધારકો કે વિદેશમાં રહેલા લોકો પર આ નિયમ લાગુ પડતો નથી.
યુએસસીઆઈએસ (USCIS) એ પણ જણાવ્યું છે કે આ નિયમ ફક્ત તેઓ માટે લાગુ પડશે જેમણે હજુ સુધી વિઝાની અરજી દાખલ કરી નથી. હાલના વિઝાધારકો કે રિન્યુઅલ માટે ફી લાગુ નહીં પડે.
વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કરોલાઈન લેવિટે સ્પષ્ટ કર્યું કે હાલના વિઝા ધરાવતા અને વિદેશમાં રહેલા લોકોને અમેરિકા પ્રવેશ માટે કોઈ વધારાની રકમ ચૂકવવાની જરૂર નહીં રહે અને તેઓ સામાન્ય રીતે આવનજાવન કરી શકશે.
યુએસ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જે લોકો હાલ અમેરિકા અને ભારત વચ્ચે મુસાફરી કરી રહ્યા છે, તેમને કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવાની કે ફી ચૂકવવાની જરૂર નથી. આ ફી ફક્ત નવા વિઝા અરજદારો અને આગામી લોટરી સિસ્ટમ માટે લાગુ પડશે.
આ વચ્ચે, અમેરિકામાં સ્થિત ભારતીય દૂતાવાસે ઇમર્જન્સી માટે હેલ્પલાઇન નંબર +1-202-550-9931 જાહેર કર્યો છે, જે પર વોટ્સએપ દ્વારા પણ સંપર્ક કરી શકાય છે. આ નંબર ફક્ત ભારતીય નાગરિકો માટે તાત્કાલિક પરિસ્થિતિઓમાં સંપર્ક માટે ઉપલબ્ધ છે.


Leave a Reply