ગાંધીનગર: ગુજરાતના મહેસૂલ વિભાગે રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ પરિપત્ર હેઠળ મહેસૂલ વિભાગના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ અને કર્મચારીઓએ રાજકીય નેતાઓ, પદાધિકારીઓ અને નાગરિકોના ફોન ફરજિયાત રીતે ઉપાડવા પડશે.
વિભાગે આ પગલું એવી ફરિયાદોને ધ્યાનમાં રાખીને લીધો છે, જેમાં અધિકારીઓ સમયસર કોલ્સનો જવાબ ન આપતા અનેક કાર્યમાં વિલંબ થતો હતો.
પરિપત્રમાં અધિકારીઓ માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, તેઓએ ફોન પર વાત કરતા સમયે મહેસૂલ વિભાગના નિયમો અને વ્યવહારની પદ્ધતિનું પાલન કરવું આવશ્યક છે.
જો કોઈ અધિકારી કિસ્સા મુજબ તરત ફોન ઉપાડી શકતો નથી, તો તેને તે કોલનું જવાબ સમય મળ્યે જરૂર આપવું પડશે. સાથે જ, વિભાગે જણાવ્યું છે કે તમામ અધિકારીઓએ ફાળવાયેલા સરકારી ફોન નંબર પર આવતા કોલ્સનો જવાબ ફરજિયાત આપવો જોઈએ.
જો અધિકારી પાસે સરકારી ફોન નથી, તો તેઓએ પોતાના અંગત નંબર પર આવતા કોલ્સનો પણ જવાબ આપવો પડશે.
આ ગાઈડલાઈનનો મુખ્ય હેતુ મહેસૂલ વિભાગના અધિકારીઓ અને સામાન્ય જનતા, રાજકીય નેતાઓ તેમજ પદાધિકારીઓ વચ્ચેનો સંવાદ સુગમ અને અસરકારક બનાવવાનો છે.

Leave a Reply