‘જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય ત્યાં સુધી તાત્કાલ સુનાવણી નહીં’: ભાવિ CJI જસ્ટિસ સૂર્યકાંતની કડક ટિપ્પણી

‘જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય ત્યાં સુધી તાત્કાલ સુનાવણી નહીં’: ભાવિ CJI જસ્ટિસ સૂર્યકાંતની કડક ટિપ્પણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અને નવેમ્બરમાં ભારતના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનનારા જસ્ટિસ સૂર્યકાંતે તાત્કાલિક સુનાવણીની અપીલ પર કડક ટિપ્પણી કરી છે.

રાજસ્થાનમાં એક ઘરની હરાજી અટકાવવા તાત્કાલિક સુનાવણીની માગ સાથે વકીલ શોભા ગુપ્તાએ અપીલ કરી હતી. આ દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય અથવા કોઈની સ્વતંત્રતા જોખમમાં ન હોય, ત્યાં સુધી તાત્કાલ સુનાવણી નહીં કરવામાં આવે.”

જસ્ટિસ સૂર્યકાંતે આગળ ન્યાયાધીશોની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે, “તમે લોકો ન્યાયાધીશોની દુર્દશા સમજી શકતા નથી. શું તમને ખબર છે કે અમે કેટલા કલાક સૂઈએ છીએ? આવી સ્થિતિમાં દરેક મામલાની તાત્કાલ સુનાવણી શક્ય નથી.” તેમણે સ્પષ્ટ કર્યું કે આગામી કેટલાક મહિનાઓ સુધી આ મામલે સુનાવણીની અપેક્ષા ન રાખવી જોઈએ. જોકે બાદમાં તેમણે કોર્ટ માસ્ટરને શુક્રવારે કેસ લિસ્ટ કરવાની સૂચના આપી.

આ સુનાવણી દરમિયાન જસ્ટિસ ઉજ્જલ ભુઈયાં અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહ પણ હાજર હતા. સામાન્ય રીતે આવી અપીલો રોસ્ટરના માસ્ટર તરીકે CJI દ્વારા સાંભળવામાં આવે છે, પરંતુ હાલ CJI બી.આર. ગવઈ બંધારણીય બેન્ચની સુનાવણીઓમાં વ્યસ્ત હોવાથી બીજા ક્રમના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત આવા તાત્કાલિક કેસો સાંભળી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં દરરોજ નિયમિત સુનાવણી શરૂ થાય તે પહેલાં વકીલોને તાત્કાલિક મામલાઓનો ઉલ્લેખ કરવાની મંજૂરી હોય છે. ઘણીવાર વકીલો દલીલ કરે છે કે જો કોર્ટ તાત્કાલ હસ્તક્ષેપ ન કરે તો તેમના ક્લાયન્ટને ગંભીર નુકસાન થઈ શકે છે. જોકે તાજેતરમાં કોર્ટ વારંવાર આ પ્રથાની દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published.