લદાખ હિંસા બાદ સરકારનું એક્શન: લેહમાં પ્રદર્શન, રેલીઓ અને ભેગા થવા પર પ્રતિબંધ

લદાખ હિંસા બાદ સરકારનું એક્શન: લેહમાં પ્રદર્શન, રેલીઓ અને ભેગા થવા પર પ્રતિબંધ

લદાખમાં રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગને લઈને મંગળવારે થયેલા હિંસક આંદોલન પછી પરિસ્થિતિ તંગ બની છે. હિંસક અથડામણમાં ચાર લોકોના મોત થયા છે અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

કાયદો-વ્યવસ્થા જાળવવા માટે લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલિક અસરથી વિરોધ પ્રદર્શન, રેલીઓ અને પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ આદેશ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જારી કરવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. ઉપરાંત, કાયદો-વ્યવસ્થા માટે ખતરો ઊભો કરે તેવા નિવેદનો કરવા પર પણ પ્રતિબંધ છે અને તેના ઉલ્લંઘન પર ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ પગલાં લેવાશે.

લેહમાં બુધવારે બંધ દરમિયાન હિંસા વધી ગઈ હતી, જેમાં ભાજપ કાર્યાલયમાં આગ લગાવવામાં આવી અને અનેક વાહનો સળગાવી દેવામાં આવ્યા.

કેટલાક યુવાનો દ્વારા પથ્થરમારો અને સુરક્ષા દળો પર હુમલા થયા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યા. પરિસ્થિતિ કાબૂમાં લાવવા વધારાના સુરક્ષા દળો તૈનાત કરાયા છે.

આ પરિસ્થિતિ વચ્ચે જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે 15 દિવસથી ચાલુ ઉપવાસ તોડી દીધો છે અને યુવાનોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હિંસા આંદોલનની નૈતિકતા નબળી પાડે છે અને સંઘર્ષ દરમિયાન કોઈ જાન ન જાય તેવા પ્રયાસો કરવા જરૂરી છે.

લદાખને રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગને લઈને લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે.

અત્યાર સુધીમાં અનેક રાઉન્ડની વાતચીત છતાં કોઈ પરિણામ આવ્યું નથી. હવે આ મુદ્દે 6 ઑક્ટોબરે કેન્દ્રીય ગૃહ મંત્રાલય લદાખના પ્રતિનિધિમંડળ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે.

 

Leave a Reply

Your email address will not be published.