દક્ષિણ ચીન અને તેના પડોશી દેશોમાં તાઈફૂન રાગાસાએ ભારે હાહાકાર મચાવ્યો છે અને તેને વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડાઓમાંના એક તરીકે ગણવામાં આવી રહ્યું છે.
હાલ રાગાસા દક્ષિણ ચીનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને તીવ્ર પવન સાથે ધસી આવ્યું છે. સત્તાવાળાઓએ કિનારાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાંથી લાખો લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા માટે વિશાળ સ્થળાંતર અભિયાન શરૂ કર્યું છે.
ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં જ એક મિલિયનથી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે દસથી વધુ શહેરોમાં શાળાઓ, ઓફિસો અને વ્યાપારી સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે.
શેનઝેન શહેરમાં જ લગભગ 4 લાખ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. સત્તાવાળાઓએ ચેતવણી આપી છે કે આવનારા કલાકો અત્યંત ગંભીર હોઈ શકે છે. રેલ અને હવાઈ સેવાઓ પર પણ અસર પડી છે, સૈંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
ચીન પહોંચતાં પહેલાં રાગાસાએ તાઈવાનના હુઆલિયાન કાઉન્ટીમાં ભારે તબાહી મચાવી હતી, જ્યાં પૂરનાં કારણે ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયા છે. ફિલિપાઈન્સના ઉત્તર લુઝોન વિસ્તારમાં પણ વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો, જેમાં 10 લોકોનાં મોત થયા અને હજારો લોકોને તાત્કાલિક આશ્રયસ્થળોમાં ખસેડવામાં આવ્યા.
સોશિયલ મીડિયામાં શેર થયેલા વિડિઓઝમાં દરિયાકિનારે ઉંચી મોજાઓ અથડાતી, રસ્તાઓ પર પડેલા ઝાડ અને પવનથી છાપરા ઉડી જતાં જોવા મળ્યા. ઇમરજન્સી ટીમોને તહેનાત કરવામાં આવી છે અને સત્તાવાળાઓએ લોકોને ઘરમાં રહેવાની અને સલામતી સૂચનોનું પાલન કરવાની સલાહ આપી છે.
મોસમ વિજ્ઞાનીઓએ રાગાસાને સુપર તાઈફૂન તરીકે વર્ગીકૃત કર્યો છે, જેમાં પવનની ઝડપ લગભગ 200 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી છે, જેના કારણે વીજ લાઇનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેતીને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply