Mohammed Shami: વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. જેમાં મોહમ્મદ શમીને ફરી એકવાર ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ભારતીય ટીમના સિલેક્ટર્સનું આ વલણ સંકેત આપે છે કે, શમી હવે ભારતીય ટેસ્ટ ટીમમાંથી લગભગ નિવૃત્ત થઈ ગયો છે. વેસ્ટ ઇન્ડીઝ આવતા મહિને, ઓક્ટોબરમાં, બે ટેસ્ટ મેચ રમવા માટે ભારત આવી રહ્યું છે.
આ પણ વાંચો: હાર પચાવી ના શક્યું પાકિસ્તાન… સતત રિપોર્ટ થવાના કારણે અભિષેક શર્માનું X એકાઉન્ટ સસ્પેન્ડ! જાણો મામલો
35 વર્ષીય મોહમ્મદ શમી છેલ્લે જૂન 2023માં ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ભારત માટે રમ્યો હતો. આ ફાસ્ટ બોલરે 64 ટેસ્ટ મેચોમાં 229 વિકેટ લીધી છે. તે ટૂર્નામેન્ટ બાદથી શમી પોતાનું આક્રમક વલણ સ્થાપિત કરવામાં સતત નિષ્ફળ રહ્યો છે.
કેમ શમીનું પત્તું કપાયું?
ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ટૂર્નામેન્ટ દરમિયાન મોહમ્મદ સિરાજ, પ્રસિદ ક્રિષ્ના અને જસપ્રીત બુમરાહ મેઈન પેસ બોલર હતા. અર્શદીપ સિંહ પણ ટીમમાં સામેલ હતો. અંશુલ કંબોજને પણ ડેબ્યૂ કરવાની તક મળી હતી. હર્ષિત રાણા બેકઅપ ખેલાડી તરીકે ઇંગ્લેન્ડ પ્રવાસ પર હતો. ટીમ ઈન્ડિયામાં યુવા ફાસ્ટ બોલર્સને તક મળી હતી. જ્યારે શમી હવે 35 વર્ષનો છે, તેથી વર્તમાન WTC સાયકલ (2025-27) ના અંત સુધીમાં તે 37 વર્ષનો થઈ જશે. વધુમાં, ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં શમીનું તાજેતરનું પર્ફોર્મન્સ ખાસ પ્રભાવશાળી રહ્યું નથી.
શમી ઈજાગ્રસ્ત થતાં રમી શક્યો નહીં
નોંધનીય છે, શમીએ 2023ના ODI વર્લ્ડ કપમાં ધુમ મચાવી હતી. 7 મેચમાં 24 વિકેટ લીધી હતી. જોકે, ફેબ્રુઆરી 2024 માં તેની પગની એડીની સર્જરી થઈ હતી. ત્યારબાદ, તે લાંબા સમય સુધી ભારતીય ટીમમાંથી ગેરહાજર રહ્યો. જ્યારે તે સ્વસ્થ થયો, ત્યારે તેને ટેસ્ટ મેચ રમવાનો મોકો મળ્યો ન હતો. જોકે, તે છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારત માટે ODI માં દેખાયો હતો. અગરકરે શમીની પસંદગી ન થવા પર સ્પષ્ટતા કરી હતી કે, શમી વિશે કોઈ નવી માહિતી નથી. જોકે, તેણે તાજેતરમાં વધુ ક્રિકેટ રમી નથી. તેને વધુ મેચ રમવાની જરૂર છે.
આ ખેલાડીઓને ટીમમાંથી બહાર રખાયા
કરુણ નાયરને ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે, ઇંગ્લેન્ડ પ્રવાસ પર એક પણ ટેસ્ટ ન રમનારા અભિમન્યુ ઈશ્વરનને પણ ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. જ્યારે દેવદત્ત પડિક્કલ અને એન. જગદીશનને સ્થાન આપ્યું છે. ટીમ સિલેક્ટર્સે સરફરાઝ ખાન અને માનવ સુથારની અવગણના કરી છે. ઋષભ પંતને ઈજા થતાં આ સીરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે. જ્યારે રવિન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરે રાજધાની દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે.
આ પણ વાંચો: IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રવિન્દ્ર જાડેજા બન્યો VC
વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ માટે 15-સભ્યોની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, એન. જગદીશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ ક્રિશ્ના, કુલદીપ યાદવ

Leave a Reply