Jasprit Bumrah And Mohammed Kaif : એશિયા કપ-2025માં ભારતીય ટીમ દમદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ ગ્રૂપ-એની તમામ ત્રણ મેચો જીત્યા બાદ સુપર-4ની મેચોમાં પણ બે મેચો જીતી લીધી છે અને આજે ભારતનો મુકાબલો શ્રીલંકા સામે છે. એશિયા કપમાં જસપ્રીત બુમરાહ પણ સામેલ છે અને તેણે ચાર મેચોમાં કુલ પાંચ વિકેટ ઝડપી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શાબ્દિક તકરાર જોવા મળી છે. કૈફે બુમરાહની બોલિંગની રણનીતિ પર સવાલ ઉઠાવતી એક પોસ્ટ કરી છે, જો બુમરાહે પણ રિટ્વિટ કરીને કૈફને સ્પષ્ટ જવાબ આપ્યો છે.
કૈફે બુમરાહની બોલિંગ પર સવાલ ઉઠાવ્યા
મોહમ્મદ કૈફે એક્સ પર પોસ્ટ કરીને એશિયા કપમાં બુમરાહની બોલિંગની પેટર્ન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેણે લખ્યું કે, ‘જસપ્રીત બુમરાહ જ્યારે રોહિત શર્માના નેતૃત્વ હેઠળ રમતા ત્યારે સામાન્ય રીતે ઓવર 1, 13, 17, અને 19માં બોલિંગ કરતો હતો. જોકે એશિયા કપમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ તેણે શરૂઆતમાં જ ત્રણ ઓવરનો સ્પેલ ફેંક્યો હતો. બુમરાહ ઈજાથી બચવા માટે, તેનું શરીર ગરમ થઈ ગયા પછી બોલિંગ કરવાનું પસંદ કરે છે. બાકીની 14 ઓવરોમાં બુમરાહની માત્ર એક ઓવર બૅટર્સ માટે મોટી રાહત સમાન છે. વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં મજબૂત ટીમો સામે ભારતને આ વ્યૂહરચનાથી નુકસાન થઈ શકે છે.’
બુમરાહે કૈફને આપ્યો સ્પષ્ટ જવાબ
કૈફની આ પોસ્ટ પર જસપ્રીત બુમરાહે તુરંત પ્રતિક્રિયા આપી છે. તેણે કૈફની પોસ્ટને રીપોસ્ટ કરતાં ટૂંકમાં સ્પષ્ટ લખ્યું છે કે, ‘પહેલાં ખોટું, હજી પણ ખોટું.’
કૈફે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો
જ્યારે મોહમ્મદ કૈફને લાગ્યું કે, બુમરાહ કદાચ નારાજ થયો છે, ત્યારે તેણે મામલો શાંત પાડવા માટે વધુ એક પોસ્ટ કરી છે. કૈફે બુમરાહની પોસ્ટને રીપોસ્ટ કરીને લખ્યું છે કે, ‘કૃપા કરીને આને એક ક્રિકેટ પ્રેમી અને ચાહકની દૃષ્ટિએ જુઓ. તમે ભારતીય ક્રિકેટના સૌથી મોટા મેચ-વિનર્સમાંથી એક છો અને હું સારી રીતે જાણું છું કે ઈન્ડિયન જર્સી પહેરીને મેદાન પર પૂરી મહેનત આપવી કેટલું પડકારજનક હોય છે.’
બુમરાહ અને કૈફ વચ્ચે શાબ્દિક બોલાચાલી જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. ચાહકો પણ બે જૂથોમાં વહેંચાઈ ગયા છે. કેટલાક કેફનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક બુમરાહને યોગ્ય ઠેરવી રહ્યા છે.
આ પણ વાંચો : પાકિસ્તાની ખેલાડીના ‘ગન સેલિબ્રેશન’ મામલે ICCમાં સુનાવણી, ફરહાને બચવા ધોની-કોહલીનું નામ આપ્યું
ભારત-પાકિસ્તાન વચ્ચે 28મીએ ફાઈનલ મેચ
ભારતીય ટીમ એશિયા કપ 2025માં શાનદાર ફોર્મમાં છે અને સુપર-4 સ્ટેજમાં પોતાના બંને મેચ જીતીને ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતીય ટીમે સુપર-4 માં તેના પ્રથમ મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાનો દબદબો કાયમ રાખ્યો હતો. ત્યારબાદ ભારતે બાંગ્લાદેશને 41 રનથી હરાવ્યું છે. આ જીતમાં અભિષેક શર્માની શાનદાર અડધી સદી અને કુલદીપ યાદવની ત્રણ વિકેટે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત સાથે જ ભારતે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. હવે ચાહકોની નજર 28 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલ પર ટકેલી છે, જ્યાં ભારતનો મુકાબલો પાકિસ્તાન અથવા બાંગ્લાદેશમાંથી કોઈ એક ટીમ સાથે થશે.
આ પણ વાંચો : ‘NATO પ્રમુખ ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા વિચારે’, ભારતનો જડબાતોડ જવાબ

Leave a Reply