Updated: Nov 5th, 2025
GS TEAM

India vs Pakistan : હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ 2025 આગામી 7 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે અને 9 નવેમ્બર સુધી ટીન ક્વોંગ રોડ રિક્રિએશન ગ્રાઉન્ડ પર રમાશે. આ રોમાંચક છ ઓવરની ટુર્નામેન્ટ માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ માટે કુલ 7 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, અને ટીમનું નેતૃત્વ અનુભવી વિકેટકીપર-બેટર દિનેશ કાર્તિક કરશે. આ ટીમમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ તેમજ સ્થાનિક ક્રિકેટના દિગ્ગજોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ચેમ્પિયન મહિલા ટીમને મળ્યા PM મોદી, વર્લ્ડ કપ ટ્રોફી સાથેની તસવીરો આવી સામે
હોંગકોંગ સિક્સેસ માટે ભારતની ટીમની જાહેરાત
ટીમમાં ગઈ એડિશનના કેપ્ટન રોબિન ઉથપ્પાની ટીમમાં વાપસી કરી રહ્યા હોવાના સમાચાર છે. 2007ના T20 વર્લ્ડ કપ વિજેતા ઉથપ્પાએ 2024ની ટુર્નામેન્ટમાં ઓમાન સામે માત્ર 13 બોલમાં 52 રનની ધમાકેદાર રમત રમી હતી. ટોચના ક્રમમાં તેની વિસ્ફોટક બેટિંગ ભારતની ઝડપી શરૂઆત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. ગયા વર્ષની ટુર્નામેન્ટમાં સૌથી સફળ ભારતીય બેટર ભરત ચિપલીની પણ પસંદગી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ એડિશનમાં તેણે કુલ 156 રન બનાવ્યા હતા, જેમાં પાકિસ્તાન સામે 16 બોલમાં અણનમ 53 રનનો સમાવેશ થાય છે. ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્ની આ વખતે હોંગકોંગ સિક્સેસ ટુર્નામેન્ટમાં પણ જોવા મળશે. જમણા હાથનો મધ્યમ-ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુન બોલિંગ વિભાગનું નેતૃત્વ કરશે. ભારત માટે ટેસ્ટ અને વનડે રમી ચૂકેલા મિથુન પાસે ઘરેલુ ક્રિકેટમાં 330 થી વધુ ફર્સ્ટ-ક્લાસ વિકેટ છે. ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમ અને બેટર પ્રિયંક પંચાલ પણ ભારતીય ટીમનો ભાગ છે.
પાકિસ્તાન સાથે ટક્કર
ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમો 7 નવેમ્બરે એકબીજા સામે ટકરાશે. ત્યારબાદ 8 નવેમ્બરે કુવૈતનો સામનો કરશે.એ પછી ભારતીય ટીમ અફઘાનિસ્તાનનો સામનો કરશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે.
આ પણ વાંચો: સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રિષભ પંતની વાપસી, શમીને ન મળ્યો મોકો
ભારતીય ટીમ
દિનેશ કાર્તિક (કેપ્ટન), રોબિન ઉથપ્પા, ભરત ચિપલી, સ્ટુઅર્ટ બિન્ની, અભિમન્યુ મિથુન, શાહબાઝ નદીમ, પ્રિયાંક પંચાલ.

Leave a Reply