Explainer: સુરતમાં રણજી ટ્રોફી મેચમાં ઐતિહાસિક ઘટના, જાણો ‘હિટ ધ બૉલ ટ્વાઈસ’ આઉટ શું છે

Home » Latest Update » Explainer: સુરતમાં રણજી ટ્રોફી મેચમાં ઐતિહાસિક ઘટના, જાણો ‘હિટ ધ બૉલ ટ્વાઈસ’ આઉટ શું છે
explainer:-સુરતમાં-રણજી-ટ્રોફી-મેચમાં-ઐતિહાસિક-ઘટના,-જાણો-‘હિટ-ધ-બૉલ-ટ્વાઈસ’-આઉટ-શું-છે

Historical Event In Cricket : સુરતમાં ચાલી રહેલી રણજી ટ્રોફીની લીગ મેચમાં મણિપુરનો ક્રિકેટર લામાબમ સિંહ એક દુર્લભ રીતે ‘આઉટ’ થયો હતો. બેટિંગ કરતી વખતે તેણે બોલને બે વાર ‘હિટ’ કર્યો અને એમ્પાયરે આઉટ આપી દીધો. આ ઘટનાએ ફરી એ વાત પર પ્રકાશ પાડ્યો છે કે ક્રિકેટના નિયમો કેટલા સ્પષ્ટ અને વૈવિધ્યપૂર્ણ છે. ક્રિકેટમાં બેટ્સમેનના આઉટ થવાની કુલ નવ રીતો છે. આ બધી જ રીત ‘મેરીલબોન ક્રિકેટ ક્લબ’ (MCC – Marylebone Cricket Club) દ્વારા ઘડાયેલી નિયમાવલીમાં વિગતવાર રીતે સમજાવાઈ છે. ચાલો જાણીએ કે એ 9 રીત કઈ છે. 

સુરતમાં મણિપુરનો ક્રિકેટર દુર્લભ રીતે આઉટ 

સુરતમાં મેઘાલય સામે ચાલી રહેલી રણજી ટ્રોફીની લીગ મેચમાં મણિપુરના બેટ્સમેન લામાબમ સિંહ ક્રીઝ પર હતો. સામે બોલર હતો આર્યન બોરા, જેના એક બોલને લામાબમ સિંહે ‘પ્લે’ કર્યો. જો કે, બોલ અટકી જવાને બદલે ધીમે ધીમે સ્ટમ્પ તરફ ગયો, ત્યારે લામાબમ સિંહે તેને બેટથી રોકી દીધો. પરિણામે તેને આઉટ અપાયો. લામાબમને ‘હિટ ધ બોલ ટ્વાઈસ’ (બોલને બે વાર મારવા) નિયમ હેઠળ આઉટ હતો. હા, નિયમો પ્રમાણે ક્રિકેટર આવું કરે તો તે આઉટ ગણાય છે. આમ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમો પ્રમાણે ક્રિકેટરોને હિટ ધ બોલ ટ્વાઈસ સહિત કુલ નવ રીતે આઉટ આપી શકાય છે. સૌથી પહેલા વાત કરીએ આ જ નિયમની. 

1. બોલને બે વાર મારવો (Hit the Ball Twice)

બોલર દ્વારા ફેંકાયેલા બોલને બેટ્સમેન બેટ કે શરીરથી બે વાર ફટકારે કે સ્પર્શ કરે તો તે આઉટ ગણાય છે. લામાબમ સિંહ આ જ નિયમથી આઉટ થયો હતો. રણજી ટ્રોફીમાં આ રીતે આઉટ થયાનો છેલ્લો કિસ્સો 2005-06 માં બન્યો હતો. આ પહેલા જમ્મુ કાશ્મીરના કેપ્ટન ધ્રુવ મહાજનને ઝારખંડ સામે આવી જ રીતે આઉટ અપાયો હતો. તે પહેલાં ફક્ત ત્રણ રણજી ક્રિકેટરોને આ રીતે આઉટ થયા છે. આંધ્ર પ્રદેશના ખેલાડી કે. બાવન્ના (1963-64), જમ્મુ અને કાશ્મીરના શાહિદ પરવેઝ (1986-87) અને તમિલનાડુના આનંદ જ્યોર્જ (1998-99) પણ આ યાદીમાં છે.

2. બોલ્ડ (Bowled)

– જ્યારે બોલરનો બોલ સીધો બેટ્સમેનના સ્ટમ્પ સાથે ટકરાય છે અને બેલ્સ ખરી પડે છે, ત્યારે બેટ્સમેન બોલ્ડ થાય છે. 

– જો બોલ (નો બોલ ન હોય અને) પહેલા બેટ્સમેનના બેટ અથવા શરીરને સ્પર્શીને સ્ટમ્પને ટકરાય, તો પણ તે બોલ્ડ જ ગણાય. 

– જો બોલ સ્ટમ્પ સાથે ટકરાતા પહેલાં કોઈ બીજા ખેલાડી અથવા અમ્પાયરને સ્પર્શ કરે તો બેટ્સમેનને બોલ્ડ ગણાતો નથી. 

 3. સ્ટમ્પ્ડ આઉટ (Stumped)

બેટ્સમેન શોટ રમવા માટે ક્રીઝની બહાર આવે ત્યારે વિકેટકીપર પોતાના હાથમાં બોલ લઈને બેલ્સ ખેરવી દે, તો બેટ્સમેન સ્ટમ્પ્ડ આઉટ ગણાય છે. 

4. કેચ આઉટ (Caught)

જો બેટ્સમેન દ્વારા ફટકારેલો બોલ જમીનને સ્પર્શ કર્યા પહેલાં જ કોઈ ફીલ્ડર દ્વારા ઝીલી લેવામાં આવે, તો બેટ્સમેન કેચ આઉટ ગણાય છે.

5. રન આઉટ (Run Out)

રન લેતી વખતે જો બેટ્સમેન ક્રીઝની બહાર હોય અને ફીલ્ડિંગ ટીમ બોલ સહિત સ્ટમ્પ પાડી દે તો તે રન આઉટ ગણાય છે. નો-બોલ પર પણ રન આઉટ થઈ શકે છે.

6. લેગ બિફોર વિકેટ (LBW)

જો બોલ બેટને સ્પર્શ કર્યા વિના બેટ્સમેનના પગ (અથવા શરીરના અન્ય ભાગ) પર અથડાય (ગ્લોવ્સ સિવાય) અને અમ્પાયરને એવું લાગે કે બોલ સીધો સ્ટમ્પ તરફ જઈ રહ્યો હતો, તો બેટ્સમેનને LBW આઉટ અપાય છે. આ નિર્ણય ઘણીવાર વિવાદાસ્પદ બનતો હોવાથી તેને ક્રિકેટના સૌથી જટિલ નિયમોમાંનો એક ગણવામાં આવે છે. 

આ પણ વાંચો : ICC Rankings: રોહિત શર્માનું રાજ ખતમ, ન્યૂઝીલેન્ડના બેટરે નંબર-1 બનીને રચી દીધો ઈતિહાસ

7. હિટ વિકેટ (Hit Wicket)

શોટ રમતી વખતે અથવા સ્ટાન્સ લેતી વખતે જો બેટ્સમેનના બેટ કે શરીરથી સ્ટમ્પ પડી જાય, તો તે હિટ વિકેટ આઉટ ગણાય છે.

8. ફીલ્ડિંગમાં અવરોધ (Obstructing the Field)

જો બેટ્સમેન શબ્દો કે ક્રિયા દ્વારા ફિલ્ડિંગ ટીમના કાર્યમાં અવરોધ ઊભો કરે તો તેને આ નિયમ હેઠળ આઉટ ગણાય છે. બોલ રમતમાં હોય અને બેટ્સમેન ફિલ્ડરની પરવાનગી વિના તેના શરીર કે બેટથી બોલ ફિલ્ડરને પાછો આપે તો પણ બેટ્સમેને ફિલ્ડમાં અવરોધ કર્યો હોવાનું ગણીને તેને આઉટ આપી શકાય છે. આ નિયમને લીધે મળેલી વિકેટ બોલરના ખાતામાં જતી નથી. ભૂતકાળમાં ‘હેન્ડલિંગ ધ બોલ’ નામનો અલગ નિયમ હતો, જેને હવે આ જ શ્રેણીમાં ગણવામાં આવે છે.

9. ટાઈમ આઉટ (Timed Out)

કોઈ બેટ્સમેન આઉટ થાય અને પેવેલિયન તરફ ચાલતો થાય ત્યારે એના પછીના બેટ્સમેને ત્રણ મિનિટની અંદર આગામી બોલનો સામનો કરવા માટે ક્રીઝ પર પહોંચી જવાનું હોય છે. આમ ન થાય તો નવો બેટ્સમેન ટાઈમ આઉટ ગણાય છે. કોઈ બેટ્સમેન રિટાયર્ડ હર્ટ થાય અને એને પેવેલિયન તરફ લઈ જવાતો હોય ત્યારે પણ નવા બેટ્સમેનને આ નિયમ લાગુ પડે છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુસને 2023ના બાંગ્લાદેશ સામેની ODI વર્લ્ડ કપ મેચ દરમિયાન ટાઈમ આઉટ કરવામાં આવ્યો હતો. આ રીતે આઉટ થનાર તે વિશ્વનો પહેલો ખેલાડી બન્યો હતો.

આ પણ વાંચો : કેપ્ટન શુભમન ગિલ બીજી ટેસ્ટમાં રમશે કે નહીં? BCCI એ આપી લેટેસ્ટ અપડેટ

Leave a Reply

Your email address will not be published.