Rishabh Pant angry on Kuldeep yadav, IND vs SA: ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત તેની મસ્તીભરી અને સતત બોલતી રહેવાની આદત માટે જાણીતો છે. પરંતુ, ગુવાહાટી ટેસ્ટમાં કેપ્ટન બનતા જ તેનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે, પંત પોતાની જ ટીમના ખેલાડી કુલદીપ યાદવ પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. તેની આખી વાતચીત સ્ટમ્પ માઇકમાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મેદાન પર શું બન્યું?
આ ઘટના ત્યારે બની જ્યારે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો કાયલ વેરિન અને મુથુસામી વચ્ચે 88 રનની લાંબી ભાગીદારી થઈ હતી, જેનાથી ભારતીય ખેલાડીઓ થાકી ગયા હતા અને મેદાન પર સુસ્ત દેખાઈ રહ્યા હતા. ફિલ્ડરો ધીમે-ધીમે પોતાની પોઝિશન પર જઈ રહ્યા હતા, જેના કારણે બોલર કુલદીપ યાદવ સમયસર ઓવર પૂરી કરી શકતો ન હતો.
આ પહેલા, ધીમા ઓવર-રેટને કારણે અમ્પાયર રિચાર્ડ કેટલબોરોએ કેપ્ટન ઋષભ પંતને ચેતવણી (વોર્નિંગ) પણ આપી હતી. આથી, જ્યારે ફરીથી વિલંબ થયો, ત્યારે પંતે પોતાનો પિત્તો ગુમાવ્યો અને વિકેટ પાછળથી કુલદીપને ખખડાવતા કહ્યું, “યાર, 30 સેકન્ડનો ટાઇમર છે. ઘરમાં રમે છે કે શું? એક બોલ નાખ જલ્દી.”
શા માટે ગુસ્સે થયો પંત? જાણો ‘સ્ટોપ ક્લોક’ નિયમ
પંતના ગુસ્સા પાછળ ICCનો નવો ‘સ્ટોપ ક્લોક’ નિયમ જવાબદાર હતો. આ નિયમ મુજબ ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવર પૂરી થયા બાદ આગામી ઓવર 60 સેકન્ડની અંદર શરૂ કરવી ફરજિયાત છે. જો કોઈ ટીમ આમ કરવામાં વિલંબ કરે, તો પ્રથમ બે વખત ચેતવણી આપવામાં આવે છે. જો ત્રીજી વખત વિલંબ થાય, તો ફિલ્ડિંગ ટીમ પર 5 રનની પેનલ્ટી લગાવવામાં આવે છે અને તે રન બેટિંગ ટીમના સ્કોરમાં ઉમેરી દેવામાં આવે છે. પંતને પહેલાથી જ એક વોર્નિંગ મળી ચૂકી હતી, તેથી તે 5 રનની પેનલ્ટીથી બચવા માટે પોતાના ખેલાડીઓને ઉતાવળ કરવા કહી રહ્યો હતો.

Leave a Reply