Updated: Jan 18th, 2026
GS TEAM

India vs New Zealand 3rd ODI : ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડનો 41 રને વિજય થયો છે. આ સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચોની સીરિઝ 2-1થી જીતીને ઈતિહાસ રચ્યો છે. આજની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી, તો ન્યૂઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સે શાનદાર સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. ન્યૂઝીલેન્ડે ભારત સામે જીતવા માટે 338 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો છે, જેની સામે ભારતીય ટીમ 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ અને ફિલિપ્સની સદી
ન્યૂઝીલેન્ડની બેટિંગમાં ડેરીલ મિશેલે સૌથી વધુ 131 બોલમાં 15 ફોર અને 3 સિક્સ સાથે 137 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સે 88 બોલમાં 9 ફોર અને 3 સિક્સની મદદથી આક્રમક 106 રન નોંધાવ્યા હતા. વિલ યંગે 41 બોલમાં 5 ફોર અને 1 સિક્સ સાથે 30 રન, માઈકલ બ્રેસવેલે 18 બોલમાં 1 ફોર અને 3 સિક્સ સાથે અણનમ 28 રન તથા ક્રિસ્ટિયન ક્લાર્કે 5 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 11 રન બનાવ્યા હતા. આ સિવાય ઝેક ફૌલ્કેસે 8 બોલમાં 1 ફોર સાથે 10 રન, ડેવોન કોનવેએ 4 બોલમાં 1 ફોર સાથે 5 રન અને મિચેલ હેએ 6 બોલમાં 2 રન કર્યા હતા, જ્યારે હેનરી નિકોલ્સ અને કાયલ જેમિસન શૂન્ય રને આઉટ થયા હતા.
ભારત તરફથી અર્શદીપ અને રાણાની 3-3 વિકેટ
ભારતીય બોલિંગમાં અર્શદીપ સિંહે 10 ઓવરમાં 63 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી અને હર્ષિત રાણાએ પણ 10 ઓવરમાં 84 રન ખર્ચ્યા હોવા છતાં 3 મહત્વની વિકેટો લીધી હતી. મોહમ્મદ સિરાજે 10 ઓવરમાં 43 રન આપી 1 વિકેટ અને કુલદીપ યાદવે 6 ઓવરમાં 48 રન આપી 1 વિકેટ મેળવી હતી. જ્યારે ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી (8 ઓવરમાં 53 રન) અને રવિન્દ્ર જાડેજા (6 ઓવરમાં 41 રન) આ મેચમાં એકપણ વિકેટ લેવામાં સફળ રહ્યા ન હતા.
કોહલીની સદી, નીતીશ અને રાણાની અડધી સદી
ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 337 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. 338 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત અત્યંત નબળી રહી હતી અને ટીમે માત્ર 71 રનમાં 4 મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. જોકે, વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા 108 બોલમાં 124 રન બનાવ્યા હતા અને તેને નીતીશ કુમાર રેડ્ડી (53 રન) તથા હર્ષિત રાણા (52 રન) એ અડધી સદી ફટકારીને સારો સાથ આપ્યો હતો. કોહલીના વન-ડે કરિયરની આ 54મી અને કુલ 85મી આંતરરાષ્ટ્રીય સદી છે. આમ છતાં, મધ્યમ ક્રમના બેટ્સમેનો નિષ્ફળ રહેતા અને નિયમિત અંતરે વિકેટો પડતા 46 ઓવરના અંતે ભારતનો સ્કોર 296 રન પર પહોંચ્યો હતો.
ફૌલ્કેસ અને ક્લાર્કની 3-3 વિકેટ
ન્યૂઝીલેન્ડ તરફથી ઝેક ફૌલ્કેસે ત્રણ વિકેટ ખેરવી હતી, તો ક્રિસ્ટિયન ક્લાર્કે પણ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે કાયલ જેમિન્સને એક અને જેયડેન લેનોક્સે બે વિકેટ ઝડપી હતી.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે પાંચ T20I
ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસ દરમિયાન રમાનારી T20I શ્રેણી પણ રમાવાની છે. બંને દેશો વચ્ચે પ્રથમ મેચ 21 જાન્યુઆરીના રોજ નાગપુરમાં રમાશે. આ શ્રેણીની બીજી મેચ 23 જાન્યુઆરીએ રાયપુરમાં અને ત્રીજી મેચ 25 જાન્યુઆરીએ ગુવાહાટીમાં આયોજિત થશે. ત્યારબાદ ચોથી T20I મેચ 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં અને શ્રેણીની અંતિમ મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. આ તમામ મેચો રાત્રે 7:00 વાગ્યે શરૂ થશે અને ભારત તથા ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આ પાંચ મેચોની રોમાંચક શ્રેણી માટે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Leave a Reply