Updated: Jan 21st, 2026
GS TEAM

Sports News: 21 જાન્યુઆરીએ નાગપુરમાં રમાયેલી ટી20 મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને તગડો ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન બોલિંગ કરી રહેલા સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને ઈજા પહોંચી, 16મી ઓવર દરમિયાન અક્ષર પટેલે બોલને રોકવા માટે પોતાનો ડાબો હાથ લંબાવ્યો હતો, પરંતુ બોલ તેની આંગળી પર વાગ્યો હતો.
લોહી નીકળવા લાગ્યું
ઈજા એટલી ગંભીર હતી કે આંગળી પરથી લોહી વહેવા લાગ્યું હતું. જેથી અક્ષર પટેલને મેદાનની બહાર લઈ જઈ યોગ્ય સારવાર આપવામાં આવી હતી. જ્યારે અક્ષરની બાકી રહેલી ઓવર પૂરી કરવા કેપ્ટન સૂર્ય કુમારે અભિષેક શર્માને બોલાવ્યો હતો.
T20 વર્લ્ડ કપ પહેલા મોટો ઝટકો
અક્ષર પટેલની ઈજાથી ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ 2026 માટેની તૈયારીઓને મોટો ફટકો પડ્યો છે. T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં અક્ષર પટેલ વાઇસ કેપ્ટન તરીકે સામેલ છે. હવે જોવાનું એ છે કે અક્ષર પટેલની ઈજા કેટલી ગંભીર છે અને તે ક્યારે ફિટ થશે અને મેદાનમાં પાછો ફરશે. મહત્વનું છે કે 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ શરૂ થવામાં ત્રણ અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે.
T20 વર્લ્ડ કપ 2026: ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ(VC), વોશિંગ્ટન સુંદર, રિંકુ સિંહ.
અભિષેકે રેકોર્ડ નોંધાવ્યો
T20 રેન્કિંગમાં નંબર વન બેટર અભિષેક શર્મા ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં છવાઈ ગયો. એક તરફ નિયમિત ટીમ ઈન્ડિયાની વિકેટ્સ પડતી હોવા છતાં તેણે બીજા છેડે ચોગ્ગા છગ્ગા ફટકારવાનું ચાલુ રાખ્યું હતું. માત્ર 22 બોલમાં તેણે અર્ધી સદી ફટકારી હતી. આ સાથે બ્લેક કેપ્સ સામે T20માં તે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનારો ભારતીય બેટર બન્યો હતો. તેણે 8 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 35 બોલમાં 84 રન ફટકાર્યા હતા.
બે વર્ષ બાદ તક મલી છતાં ઈશાન ફેલ
આ મેચમાં ઇશાન કિશન 785 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવા ઉતર્યો હતો. જો કે તે બે વર્ષ બાદ મળેલી આ તક ઝડપી શક્યો નહોતો અને માત્ર 8 રને આઉટ થયો હતો. લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ રહેલો કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મેચમાં 22 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 32 રન બનાવી આઉટ થયો હતો.
આ પણ વાંચો: IND vs NZ T20 Match : ભારતનો શાનદાર વિજય, ન્યૂઝીલેન્ડને 48 રને હરાવ્યું, અભિષેક-રિંકુ છવાયા
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે પાંચ T20I
ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસ દરમિયાન આજથી T20I શ્રેણી શરૂ થઈ ગઈ છે. આજે બંને દેશો વચ્ચે નાગપુરમાં રમાયેલી પ્રથમ ટી20માં ભારતનો શાનદાર વિજય થયો હતો. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 238 રન નોંધાવી રનનો ખડકલો કરી નાખ્યો હતો, જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 190 રન બનાવતા તેનો 48 રને પરાજય થયો, હવે આ શ્રેણીની બીજી મેચ 23 જાન્યુઆરીએ રાયપુરમાં અને ત્રીજી મેચ 25 જાન્યુઆરીએ ગુવાહાટીમાં આયોજિત થશે. ત્યારબાદ ચોથી T20I મેચ 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં અને શ્રેણીની અંતિમ મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. આ તમામ મેચો રાત્રે 7:00 વાગ્યે શરૂ થશે અને ભારત તથા ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આ પાંચ મેચોની રોમાંચક શ્રેણી માટે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Leave a Reply