વર્લ્ડકપ છોડીને બાંગ્લાદેશને ભારે પડશે ભારત સાથે પંગો? જાણો શું કહે છે ICCના નિયમ

Home » Latest Update » વર્લ્ડકપ છોડીને બાંગ્લાદેશને ભારે પડશે ભારત સાથે પંગો? જાણો શું કહે છે ICCના નિયમ
વર્લ્ડકપ-છોડીને-બાંગ્લાદેશને-ભારે-પડશે-ભારત-સાથે-પંગો?-જાણો-શું-કહે-છે-iccના-નિયમ

ICC Penalty on Bangladesh : T20 વર્લ્ડ કપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જોકે, આ પહેલા ICC T20 વર્લ્ડ કપ 2026ના આયોજનને લઈને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) વચ્ચે વિવાદ વકર્યો છે. ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં 7 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશની ભાગીદારી શંકાસ્પદ છે. તેમની ચારેય ગ્રુપ સ્ટેજ મેચ ભારતમાં રમાવાની છે, પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારતમાં રમવાનો ઈનકાર કરી દીધો છે. તેની આ જિદના કારણે તેના પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. 

ICC એ BCBને 21 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો, જેને એક દિવસ લંબાવવામાં આવ્યો હતો, પરંતુ BCB ગુરુવારે પણ ભારતમાં ન રમવાની પોતાની જિદ પર અડગ રહ્યું. હવે, ICC તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. જો કે, જો બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જાય તો તેને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. આ સાથે જ ક્રિકેટમાં પણ આ ટીમને ફજેતીનો સામનો કરવો પડી શકે છે.

BCB અધ્યક્ષે શું કહ્યું હતું?

BCB અધ્યક્ષ અમીનુલ ઈસ્લામે ગુરુવારે પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરતા કહ્યું હતું કે, ‘અમે અમારી યોજના લઈને ICC પાસે પાછા જઈશું અને કહીશું કે અમે ભારતમાં નહીં પણ શ્રીલંકામાં રમવા માંગીએ છીએ. તેમણે અમને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, પરંતુ કોઈ પણ વૈશ્વિક સંસ્થા વાસ્તવમાં આવું ન કરી શકે. ICC T20 વર્લ્ડ કપ જોનારા 200 મિલિયન દર્શકોને ગુમાવી દેશે. આ તેમનું જ નુકસાન હશે.  ICC શ્રીલંકાને સંયુક્ત યજમાન ગણાવી રહી છે, જોકે, તે સંયુક્ત યજમાન નથી. આ એક હાઈબ્રિડ મોડેલ છે. આઈસીસીની બેઠકમાં મેં જે સાંભળ્યું તે ચોંકાવનારું હતું.’

ICC પણ ઝૂકવાના મૂડમાં નથી

બીજી તરફ ICCએ પહેલા જ બાંગ્લાદેશને બહાર કરવા અંગે વોટિંગ કરાવી લીધું છે. જો બાંગ્લાદેશ પોતાની જિદ પર અડગ રહેશે તો તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવશે અને સ્કોટલેન્ડને સ્થાન આપવામાં આવશે. ICC પણ પોતાના નિર્ણયથી પીછે હટ કરવા માટે તૈયાર નથી. જોકે, ICCના અંતિમ સ્ટેટમેન્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે. ICC પણ આ સમગ્ર વિવાદ વચ્ચે બાંગ્લાદેશની માગણીઓ સ્વીકારવા તૈયાર નથી, જેના પરિણામે બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપમાંથી બહાર કરી શકાય છે.

બાંગ્લાદેશને મોટું નુકસાન થઈ શકે છે

જોકે, બાંગ્લાદેશનો આ બળવો માત્ર વર્લ્ડ કપમાંથી બહાર થવા પૂરતું જ મર્યાદિત નહીં રહેશે. તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શીર્ષ સંસ્થા તરફથી ગંભીર પરિણામો, દંડ અને પ્રતિબંધોનો પણ સામનો કરવો પડી શકે છે. ICCના નિયમો પ્રમાણે ટુર્નામેન્ટમાંથી હચી જવું એ એક એવી કાર્યવાહી છે જે નાણાકીય, સ્પર્ધાત્મક અને રાજદ્વારી પેનલ્ટીની આખી સીરિઝને સક્રિય કરી દે છે. 

1996 વર્લ્ડ કપમાં શું થયું હતું?

1996 વનડે વર્લ્ડ કપ દરમિયાન ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા ત્રણ યજમાન હતા. ત્યારે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝે શ્રીલંકામાં શ્રીલંકા સામે પોતાની ગ્રુપ મેચ રમવાનો ઈનકાર કરી દીધો હતો, ત્યારે તેમને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. બંને ટીમોએ પોઈન્ટ ગુમાવવા પડ્યા હતા. આ સાથે જ શ્રીલંકાને બંને મેચની વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બંને ટીમોને મેચોમાં ભાગ ન લેવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. શ્રીલંકાએ તે વર્લ્ડ કપ જીત્યો હતો.

જોકે, ત્યારે વાત માત્ર એક મેચની હતી અને અહીં આખી ટૂર્નામેન્ટ લાઈન પર છે અને ICCનો દંડ વધુ મોટો હોઈ શકે છે. ચાલો જાણીએ કે, બાંગ્લાદેશને કયા પ્રકારનું નુકસાન થઈ શકે છે. 

1. આર્થિક નુકસાન

BCBને ગ્રુપ-સ્ટેજ ભાગીદારી ફી તરીકે  5 લાખથી 7.5 લાખ ડોલર એટલે કે 4.5 કરોડથી લઈને 7 કરોડ ભારતીય રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જો બાંગ્લાદેશ સુપર-8 અથવા સેમિફાઈનલમાં પહોંચ્યું હોત, તો 10 લાખથી 25 લાખ ડોલર એટલે કે, 9 કરોડથી 23 કરોડ ભારતીય રૂપિયા સુધીની વધારાની ઈનામી રકમ પણ ગુમાવી શકે છે. આ ઉપરાંત ICCની મેમ્બર પાર્ટિસિપેશન એગ્રીમેન્ટ હેઠળ પ્રતિબદ્ધતા બાદ ટુર્નામેન્ટમાંથી હટી જવા પર 20 લાખ ડોલર એટલે કે 18 કરોડ ભારતીય રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ સાથે જ 2024-2027 સાઈકલમાં BCBને મળતા 1.7થી 2 કરોડ ડોલરના વાર્ષિક આવક હિસ્સામાં પણ કાપ મૂકવામાં આવી શકે છે. એકંદરે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ જશે. જેના કારણે દેશ ક્રિકેટમાં લગભગ 20 વર્ષ પાછળ ધકેલાઈ જશે.

2. સ્પર્ધાત્મક ઝટકા

રેન્કિંગના આધારે સ્કોટલેન્ડ ગ્રુપ B માં બાંગ્લાદેશનું સ્થાન લેશે, જેનાથી ટુર્નામેન્ટના સ્પર્ધાત્મક માળખાને અસર નહીં થશે. બાંગ્લાદેશની બિન-ભાગીદારીના કારણે તેની રેન્કિંગ પોઈન્ટ પણ છીનવાઈ દશે, જે આગામી વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ભવિષ્યની મોટી ઈવેન્ટ્સ માટે ઓટોમેટિક ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જેના કારણે બાંગ્લાદેશને લોઅર-ટીયર એસોસિએટ્સ સામે ક્વોલિફાયર રમવા માટે મજબૂર થવું પડી શકે છે. આ સાથે જ ICCના વૈશ્વિક ટુર્નામેન્ટના હોસ્ટિંગ અધિકારો પણ ગુમાવી શકે છે, જેની દેશમાં ક્રિકેટ સાથે સબંધિત સ્થાનિક ક્રિકેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સ્પોન્સરશિપ ડીલ્સ અને રોકાણ પર પણ ગંભીર અસર પડશે. 

3. રાજકીય પરિણામ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોના કારણે આગામી દ્વિપક્ષીય સીરિઝ અનિશ્ચિત સમય માટે સ્થગિત થઈ શકે છે. જો ICC તેને રાજકારણથી પ્રેરિત માને અને વાસ્તવિક સુરક્ષા ચિંતા નથી, તો BCB ને સંપૂર્ણપણે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે, જેનાથી રાષ્ટ્રીય ટીમની પ્રવૃત્તિઓ અને આંતરરાષ્ટ્રીય જોડાણ ઠપ થઈ જશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સીરિઝથી ચાહકો પણ મોટી સંખ્યામાં જોડાઈ છે અને મીડિયા અહેવાલો પ્રમાણે આ સીરિઝ બાંગ્લાદેશની અન્ય સીરિઝ કરતાં 10 ગણી વધુ રેવેન્યુ જનરેટ કરે છે. તેથી, બાંગ્લાદેશને અહીં પણ ઝટકો લાગી શકે છે.

4. પ્રતિબંધ અને દંડ

જો ICC આવો નિર્ણય લે, તો બાંગ્લાદેશને ભવિષ્યની કેટલીક ટુર્નામેન્ટમાંથી સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત મુખ્ય ટુર્નામેન્ટમાં ક્વોલિફાય થવા માટે તેમને T20 વર્લ્ડ કપની આગામી એડિશન માટે ક્વોલિફાયરમાં રમવું પડી શકે છે. ICCના તમામ સભ્યોમાંથી માત્ર બે સભ્યોએ બાંગ્લાદેશના પક્ષમાં વોટિંગ કર્યું છે, જે એ દર્શાવે છે કે, જો ICC કડક કાર્યવાહી કરે તો BCB અલગ-થલગ પડી શકે છે. 

5. ટીવી રાઈટ્સ અને રેવેન્યુ જોખમ

જો બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે તો ત્યાંના બ્રોડકાસ્ટર્સ અને સ્પોન્સર્સને નુકસાન થઈ શકે છે, બાંગ્લાદેશની મેચોમાં દર્શકોની સંખ્યા વધુ હોય છે, ખાસ કરીને ભારતીય ઉપખંડમાં. તેનાથી ઓડિયન્સ એન્ગેજમેન્ટ ઘટી જશે અને બાંગ્લાદેશની હાજરી અને ફેન ફોલોઈંગ સાથે સંકળાયેલ બ્રોડકાસ્ટ આવકમાં પણ ઘટાડો થશે. પૂર્વ ખેલાડીઓ અને કોમેન્ટેટરોએ એ પણ જણાવ્યું છે કે, બાંગ્લાદેશની મેચોની ટેલિવિઝન કવરેજનો અભાવનો અર્થ ઓછી જાહેરાત તકો અને સ્પોન્સર વેલ્યૂમાં ઘટાડો, જેની સીધી અસર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની આવક પર પડશે.

6. ખેલાડીઓને વ્યક્તિગત નુકસાન

ખેલાડીઓનું વ્યક્તિગત નુકસાન શક્ય છેજો બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે, તો ખેલાડીઓ વર્લ્ડ કપ મેચો દરમિયાન મેળવેલી મેચ ફી અને પ્રદર્શન-આધારિત બોનસ ગુમાવી દેશે. આનાથી ખેલાડીઓની વ્યક્તિગત કમાણી પર સીધી અસર પડશે અને ટીમની અંદર આર્થિક સંતુલન પણ પ્રભાવિત થઈ શકે છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશે T20 વર્લ્ડકપનો બહિષ્કાર કરતાં ખળભળાટ, ICCએ ભારતમાં રમવાની શરત મૂકી હતી

7. BCBની આવકમાં 60% કે તેથી વધુનો ઘટાડો થઈ શકે છે

એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયની મોટી આર્થિક કિંમત પણ ચૂકવવી પડી શકે છે. ICC તરફથી મળતી વાર્ષિક આવક તરીકે BCBને 325 કરોડ બાંગ્લાદેશી ટકા (લગભગ 27 મિલિયન અમેરિકન ડોલર)નું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત પ્રસારણ અધિકારો, સ્પોન્સરશિપ અને અન્ય સ્ત્રોતોમાંથી થતી આવકમાં પણ ઘટાડો થશે. એકંદરે, બીસીબીની આવક ચાલુ નાણાકીય વર્ષમાં 60% કે તેથી વધુ ઘટી શકે છે.

Leave a Reply

Your email address will not be published.