અભિષેક શર્માની તોફાની બેટિંગ જોઈ પાકિસ્તાની દિગ્ગજો પણ નતમસ્તક! સરહદ પાર પણ ગુંજ્યું ભારતીય સ્ટારનું નામ
Updated: Jan 26th, 2026
GS TEAM

Abhishek Sharma : ન્યૂઝીલેન્ડ સાથેની ટી20 સીરિઝમાં ભારતનો સ્ટાર ખેલાડી અભિષેક શર્મા ધુંઆધાર બેટિંગના કારણે છવાયો છે. ભારત જ નહીં પાકિસ્તાનમાં પણ અભિષેકની બોલબાલા છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે કહ્યું છે કે, મેચ જોવાની ચાલુ જ કરી કે ખતમ થઈ ગઈ. નોંધનીય છે કે અભિષેકે છેલ્લી મેચમાં 20 બોલમાં તાબડતોબ 68 રન ફટકાર્યા જેમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ છે. અભિષેકની જોરદાર બેટિંગના કારણે ભારત માત્ર 10 જ ઓવરમાં ન્યૂઝીલેન્ડ સામે જીત હાંસલ કરી.
છેલ્લી 36 આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં અભિષેક શર્માએ કુલ 1267 રન ફટકાર્યા છે. જેમાં 86 છગ્ગા, 119 ચોગ્ગા સામેલ છે. અભિષેકનો સ્ટ્રાઈક રેટ 195.22 રહ્યો છે.
ટી20માં સૌથી ઝડપી હાફ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે. તેણે 2007માં ઈંગ્લેન્ડ સામે માત્ર 12 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં અભિષેક શર્માએ 14 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી.

નોંધનીય છે કે યુવરાજ સિંહ અભિષેક શર્માનો ‘ગુરુ’ છે. એવામાં યુવરાજ સિંહના રેકોર્ડ વિશે અભિષેકે કહ્યું હતું કે, તેમનો રેકોર્ડ તોડવો મારા માટે મુશ્કેલ છે. મેં યુવી પાજી અને રોહિતભાઈથી જ ક્રિકેટ શીખી છે. ક્રિકેટમાં તેમનું યોગદાન જબરદસ્ત છે.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે કહ્યું છે કે, યુવરાજ અને અભિષેક શર્મા બંને કમાલ છે. બંને ફાસ્ટ બોલરના દુશ્મન છે. અભિષેક જે રીતે બેટિંગ કરી રહ્યો છે. તે જોઈને મને લાગે છે કે ભારત કોઈ દિવસ વનડેમાં 500 રન બનાવી લેશે.
પાકિસ્તાન અન્ય એક પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ કહ્યું છે કે, અભિષેક એવો ખેલાડી છે જેને કોઈ વાતનો ડર નથી લાગતો. તેના પર કોઈ પ્રેશર નથી હોતું. ટી20માં તેને ટક્કર આપી શકે તેવું કોઈ નથી. અભિષેકની બેટિંગ જોઈ હું તેને મેસ્ટ્રો નામ આપીશ.
નોંધનીય છે કે અભિષેક શર્મા પાકિસ્તાનમાં ખૂબ ચર્ચામાં છે. વર્ષ 2025માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારો ખેલાડી અભિષેક શર્મા જ છે. પાકિસ્તાનીઓ બાબર આઝમ, શાહીન જેવા તેમના ખેલાડીઓ કરતાં વધુ અભિષેક શર્માને સર્ચ કરે છે.

Leave a Reply