અલ્હાબાદ હાઇકોર્ટમાં ચાલી રહેલા શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદના કેસમાં હિન્દુ પક્ષને મોટો ઝટકો મળ્યો છે. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ રામ મનોહર નારાયણ મિશ્રાએ શુક્રવાર, 4 જુલાઈના રોજ ચુકાદો આપતા શાહી ઇદગાહને અયોધ્યાની રામજન્મભૂમિની જેમ વિવાદિત માળખું જાહેર કરવાની હિન્દુ પક્ષની અરજી ફગાવી દીધી છે.
આ અરજી હિન્દુ પક્ષના વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહ દ્વારા 5 માર્ચ, 2025ના રોજ કરવામાં આવી હતી. તેમાં તેમણે દલીલ આપી હતી કે મથુરાની શાહી ઇદગાહ મસ્જિદના સ્થાન પર અગાઉ શ્રીકૃષ્ણ જન્મસ્થળ મંદિર હતું. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે આજ સુધી શાહી ઇદગાહ મસ્જિદના અસ્તિત્વના કોઈ દસ્તાવેજી પુરાવા સામે પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યા નથી. ન તો જમીનની ખતૌનીમાં મસ્જિદ તરીકે કોઈ ઉલ્લેખ છે, ન તો મ્યુનિસિપલ રેકોર્ડમાં એનું નામ છે અને ન તો તેમાં કોઈ પ્રકારનો કર ચૂકવવામાં આવ્યો છે.
વકીલે વધુમાં કહ્યું હતું કે શાહી ઇદગાહ મેનેજમેન્ટ કમિટી વિરુદ્ધ વીજળી ચોરીનો કેસ પણ દાખલ થયો છે, જેના આધારે પણ તે સ્થળને મસ્જિદ તરીકે માનવું યોગ્ય નથી. તેમણે ઇતિહાસના પ્રમાણ તરીકે ‘મસરે આલમગિરી’ જેવી ઐતિહાસિક કૃતિઓનો અને મથુરાના કલેક્ટર રહેલા એફ.એસ. ગ્રુસના લેખનો પણ ઉલ્લેખ કર્યો હતો.
હાઇકોર્ટમાં 23 મેના રોજ આ અરજી પર સુનાવણી થઈ હતી અને ત્યાર બાદ કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. હવે, જસ્ટિસ મિશ્રાએ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે હાલની પરિસ્થિતિમાં શાહી ઇદગાહને વિવાદિત માળખું જાહેર કરવી યોગ્ય નથી.
આ નિર્ણયથી શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષની દાવેદારીને ફરી એક વાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે 4 જુલાઈ, 2025ના રોજ થવાની છે.

Leave a Reply