હિમાચલ-કાશ્મીર બાદ દિલ્હીમાં પૂરનો ખતરો વધ્યો, યમુનામાં 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું

હિમાચલ-કાશ્મીર બાદ દિલ્હીમાં પૂરનો ખતરો વધ્યો, યમુનામાં 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું

હિમાચલ અને કાશ્મીરમાં ભારે વરસાદ બાદ હવે દિલ્હીમાં પૂરનો ખતરો ઊભો થયો છે. હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 3.29 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા યમુના નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, બેરેજમાંથી છોડવામાં આવેલું પાણી મંગળવારે સાંજ 5 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે દિલ્હી પહોંચવાની સંભાવના છે, જેના કારણે યમુનાનું જળસ્તર 206 મીટર સુધી જઈ શકે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓલ્ડ યમુના બ્રિજ પર ટ્રાફિક રોકવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીની તૈયારી અંગે જાહેરાત
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે, ‘સરકાર પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છે. પાછલા છ મહિનામાં નાળાઓની સફાઈ યુદ્ધના ધોરણે કરાઈ છે અને તમામ અવરોધ દૂર કરવામાં આવ્યા છે. હાલ 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે યમુનાનું જળસ્તર 207 મીટર અથવા વધુ થઈ શકે છે.’

મુખ્યમંત્રીએ 2023ના પૂરનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, ‘તે સમયે યમુનાનું જળસ્તર 208.66 મીટર સુધી પહોંચી ગયું હતું, પરંતુ આ વખતે આગોતરા તૈયારીઓ કરવામાં આવી છે. નદીના પટમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.’ હાલ યમુનાનું જળસ્તર 205.6 મીટર નોંધાયું છે.

નોઈડા અને ગાઝિયાબાદમાં પણ એલર્ટ
દિલ્હી સિવાય નોઈડા અને ગાઝિયાબાદમાં પણ તંત્ર સક્રિય થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે. સેન્ટ્રલ ફ્લડ કંટ્રોલ રૂમમાં 24 કલાક મોનીટરીંગ ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published.