ગણેશોત્સવ દરમિયાન સુરતના ઉધના વિસ્તારમાં આવેલા એક ગણેશ મંડપે ભક્તિ સાથે સેવા અને કળાનું અનોખું સંગમ રજૂ કર્યું. મહાદેવનગરમાં આવેલી શ્રીજીની પ્રતિમા સામે એક વિશેષ દૃશ્ય જોવા મળ્યું, જ્યાં બંને હાથ ગુમાવેલા દિવ્યાંગ કલાકાર મનોજ ભીંગારેએ મોઢા અને પગની મદદથી અદભૂત પેઈન્ટિંગ તૈયાર કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા.
આ અનોખી પહેલ પાછળનું કારણ એ હતું કે આયોજકોને ખબર પડી કે મનોજભાઈ પોતાના મોઢા અને પગ વડે ચિત્રો બનાવવામાં નિપુણ છે. તેમણે કલાકારને મંડપમાં આમંત્રિત કરી બાપાની પ્રતિમા સામે લાઈવ પેઈન્ટિંગ બનાવવાનું કહ્યું, જેથી તેમની પ્રતિભા ભક્તો સુધી પહોંચે. દર્શનાર્થીઓએ મનોજભાઈના ઉત્સાહ અને કળાને વધાવી લીધી અને આ ભક્તિ અને કળાનો સંગમ અનોખું આકર્ષણ બન્યો.
મનોજભાઈની પ્રેરણાદાયક સફર પણ ચોંકાવનારી છે. ડિંડોલીમાં રહેતા મનોજ ભીંગારે માત્ર 10 વર્ષની ઉંમરે અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યા હતા. છતાં તેમણે હિંમત હાર્યા વગર પગ અને મોઢાની મદદથી પેઈન્ટિંગ કરવાની કળા વિકસાવી. આજે તેઓના આ પ્રયાસે સાબિત કરી દીધું છે કે મજબૂત ઈરાદો હોય તો કશું અશક્ય નથી.

Leave a Reply