નવી દિલ્હી: આજ થી શરૂ થતી બે દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠકમાં દૈનિક ઉપયોગની વસ્તુઓ પર ટેક્સ દર ઘટાડવા અને જીએસટી સુધારાઓ પર ચર્ચા થશે. કેન્દ્ર સરકાર, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં, તમામ રાજ્યોના નાણા પ્રધાનો સાથે બેઠક કરશે.
સૂત્રો અનુસાર, કેન્દ્ર 1૨ અને 28 ટકાના સ્લેબને દૂર કરીને 5% અને 18%ના બે મુખ્ય સ્લેબ રાખવાનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે. આ સાથે કેટલીક ચીજવસ્તુઓ પર ખાસ 40% જીએસટી સ્લેબ લગાવવામાં આવવાની શક્યતા છે. આ સુધારાઓથી દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવોમાં ઘટાડો થશે. વિપક્ષી રાજ્યો આ બદલાવને કારણે આવક નુકસાનેની ભરપાઈ કરવાની માંગ કરી રહ્યા છે.
ગણિત મુજબ, 12% સ્લેબમાં આવતી 99% વસ્તુઓને 5% સ્લેબમાં અને 28% સ્લેબમાં આવતી 90% વસ્તુઓને 18% સ્લેબમાં આવરી લેવામાં આવશે. તેમાંથી ઘી, ડ્રાય ફ્રૂટ, પીવાનું પાણી (20 લિટર), નમકીન, ફૂટવેર, દવાઓ અને મેડિકલ ઉપકરણો 5% સ્લેબમાં આવશે. પેન્સિલ, સાયકલ, છત્રી, હેર પિન જેવા નાના ઉપકરણો પણ 5% સ્લેબમાં સમાવિષ્ટ થવાના છે.
ટેલિવિઝન, વોશિંગ મશીન અને રેફ્રિજરેટર 28% સ્લેબમાંથી 18% સ્લેબમાં લાવવાની યોજના છે. જ્યારે તમાકુ, પાન મસાલા અને સિગરેટ જેવી વસ્તુઓ પર 40% ખાસ દર લગાવવામાં આવી શકે છે.
પ્રસ્તાવિત સુધારાઓ 1 જુલાઇ, 2017થી લાગુ થયેલા ચાર સ્લેબ (5%, 12%, 18%, 28%)ને બદલવા માટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના સંબોધનમાં જીએસટી સુધારાઓની જાહેરાત કરી હતી. આ સુધારાઓથી સામાન્ય નાગરિકને લાભ મળી શકે છે અને જટિલ ટેક્સ માળખામાં સરળતા આવશે.

Leave a Reply