જામનગર શહેરમાં ગણેશ ભક્તો માટે એક અનોખું આકર્ષણ ઉભું થયું છે. શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી દિલીપભાઈ ધ્રુવએ છેલ્લા 40 વર્ષથી અનોખો શોખ પૂરું કરતાં 3000થી વધુ ગણપતિની મૂર્તિઓનો સંગ્રહ તૈયાર કર્યો છે. આ કલેક્શન કોઈ મ્યુઝિયમથી ઓછું નથી, કારણ કે અહીં એક ઈંચથી લઈને ત્રણ ફૂટ સુધીના વિવિધ સ્વરૂપોમાં ગણપતિ જોવા મળે છે.
દિલીપભાઈના ઘરમાં ગણપતિની મૂર્તિઓ જ નહીં, પરંતુ કિચન સાધનો, બોલપેન, ફોટો ફ્રેમ અને વિવિધ કલાકૃતિઓ સ્વરૂપે પણ ગણપતિનું દર્શન થાય છે. તેમનાં સંગ્રહમાં સંગીત વગાડતા, ક્રિકેટ રમતા, ડોક્ટર તેમજ પ્રોફેસરના સ્વરૂપમાં ગણપતિની મૂર્તિઓ છે, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. આ સંગ્રહ પાછળ દિલીપભાઈનો સમય, આર્થિક ભોગ અને વર્ષોની મહેનત સમાયેલ છે.
ગણેશોત્સવ દરમિયાન દિલીપભાઈ ધ્રુવનું ઘર જામનગર સહિત બહારગામના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. તાજેતરમાં ભારત-તિબ્બત સંઘ અને મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ સહિતના હોદ્દેદારોએ તેમના આ અનોખા યોગદાન માટે વિશેષ સન્માન કર્યું હતું. આ સન્માન શહેરના ગૌરવમાં વધારો કરતું સાબિત થયું છે.

Leave a Reply