દિલ્હીમાં સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર છરીથી હુમલો, ત્રણ સગીરો ઝડપાયા

દિલ્હીમાં સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર છરીથી હુમલો, ત્રણ સગીરો ઝડપાયા

દિલ્હીમાં અમદાવાદ જેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્ય દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં શાળાની બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર ત્રણ સગીરોએ છરીથી હુમલો કર્યો. આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી છાતીમાં છરી ઘૂસી ગયેલી હાલતમાં સીધો પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો, જેને જોઈને પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતા. તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આશરે 10-15 દિવસ પહેલા એક આરોપી વિદ્યાર્થીનો ઝઘડો થયો હતો, જેમાં તેને શંકા હતી કે પીડિત વિદ્યાર્થીએ ઝઘડામાં ઉશ્કેરણી કરી હતી. આ દુશ્મનાવટને કારણે તેણે બે મિત્રો સાથે મળી પીડિત પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો. ઘટના દિવસે વિદ્યાર્થી શાળાના ગેટ પર પહોંચતા જ ત્રણેય સગીરોએ તેને ઘેરી લીધો. એકે છરીથી હુમલો કર્યો, જ્યારે બાકી બેએ તેને પકડી રાખ્યો. આ દરમિયાન એક આરોપીએ તૂટેલી બિયર બોટલ બતાવીને પીડિતને ધમકાવ્યો હતો.

હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી કોઈક રીતે પોલીસ સ્ટેશન પહોંચ્યો. પછી તેને કલાવતી સરન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને બાદમાં આરએમએલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેની છાતીમાંથી છરી કાઢી. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.

પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો અને આરામબાગ વિસ્તારમાંથી ત્રણેય સગીરોને પકડી પાડ્યા. તેમની ઉંમર 15 અને 16 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. ગુનામાં વપરાયેલી છરી અને તૂટેલી બિયર બોટલ જપ્ત કરવામાં આવી છે. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નિધિન વાલસનએ જણાવ્યું કે આ હુમલો સંપૂર્ણપણે દુશ્મનાવટને કારણે કરવામાં આવ્યો હતો અને ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published.