સોશિયલ મીડિયા પોસ્ટ મામલે કેરળ કોંગ્રેસે માફી માગી, જવાબદાર નેતાનું રાજીનામું

સોશિયલ મીડિયા પોસ્ટ મામલે કેરળ કોંગ્રેસે માફી માગી, જવાબદાર નેતાનું રાજીનામું

કેરળ: કેરળ કોંગ્રેસે શનિવારે (6 સપ્ટેમ્બર) સ્વીકાર્યું છે કે, સોશિયલ મીડિયા પર બિહારને ‘બીડી’ કહેતા વિવાદાસ્પદ પોસ્ટ મોટી ભૂલ હતી. પોસ્ટ સામે રાજકીય અને સામાજિક સ્તરે પ્રતિક્રિયા વધતા, પાર્ટીએ તરત જ તેને હટાવી દીધું અને જાહેરમાં માફી માંગી. આ ઘટના બાદ કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ વી.ટી. બાલરામે પદ પરથી રાજીનામું આપી દીધું છે.

કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સની જોસેફે કહ્યું કે, પોસ્ટ કરવામાં ભૂલ અને બેદરકારી થઈ હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, “પાર્ટીની સોશિયલ મીડિયા ટીમે જોયા વગર આ ટિપ્પણી એક્સ પર પોસ્ટ કરી દીધી હતી. પોસ્ટ હટાવી દેવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિએ માફી માંગી લીધી છે. કોંગ્રેસ આ પ્રકારની ટિપ્પણીનું સમર્થન કરતી નથી.”

વિવાદનું પૃષ્ઠભૂમિ એ છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ GST દરોમાં ફેરફાર કર્યો હતો. કેરળ કોંગ્રેસે આ મુદ્દે કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોસ્ટમાં બિહારને બેદરકારીથી ‘બીડી’ સાથે જોડતા, તે બિહારના લોકોમાં ક્રોધનું કારણ બની. બિહારના રાજકીય નેતાઓ જેમ કે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, જદયુ સભ્ય સંજય કુમાર ઝા અને ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કડક પ્રતિસાદ આપ્યો.

પોસ્ટના વિવાદ પછી કોંગ્રેસે તરત પગલાં લીધા, માફી જાહેર કરી અને જવાબદારને પદ છોડવાનું સૂચન કર્યું, જેથી રાજકીય દબાણ અને વિરોધના મૂડને શાંત કરી શકાય.

Leave a Reply

Your email address will not be published.