ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી

ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી

પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શનિવારે પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ યથાવત રહી હતી. સતલજ અને બિયાસ નદીમાં આવેલા પૂરના કારણે પંજાબમાં 40 વર્ષમાં સૌથી ભયાનક પૂર આવ્યું છે. રાજ્યમાં 2,000થી વધુ ગામો જળબંબાકાર બન્યા છે અને 3.87 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 46થી વધુ લોકોનાં મોત થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 21,929 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે અને 196 રાહત કેમ્પ સ્થાપિત થયા છે, જેમાં 7,108 લોકો આશરો લઈ રહ્યા છે. પૂરનાં કારણે 1.75 લાખ હેક્ટરથી વધુ ખેતીની જમીનને નુકસાન થયું છે, રસ્તા, પુલ અને મકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવશે.

પંજાબમાં પોંગ ડેમ અને ભાખરા ડેમમાં પાણીનું સ્તર થોડું ઘટ્યું હોવા છતાં હજી જોખમી સ્તર નજીક છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પોંગ ડેમમાંથી પાણી છોડાતા હોશિયારપુર, દસુયા અને મુકેરિયન સબડિવિઝનના ગામોમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે.

હરિયાણામાં સતત વરસાદ અને નદીઓ-નાળાઓ ભરાઈ જતા સૈન્યની મદદ લેવાઈ છે. બહાદુરગઢમાં 80 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ફરિદાબાદની યમુના, સિરસાની ઘગ્ગર, કુરુક્ષેત્રની મારકંડા અને અંબાલાની ટાંગરી નદીઓ જોખમી સ્તરથી ઉપર વહી રહી છે.

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધીમાં 360 લોકોનાં મોત થયા છે અને 426 ઘાયલ થયા છે. રાજ્યમાં 1,087 રસ્તાઓ અવરોધિત થયા છે અને 1,440 પશુઓના મોત થયા છે. કુલ આર્થિક નુકસાન રૂ. 3,979.52 કરોડથી વધુ હોવાનું અંદાજ છે. મણિમહેશ યાત્રા દરમિયાન ફસાયેલા શ્રદ્ધાળુઓને બચાવવા સૈન્ય દ્વારા વિશેષ અભિયાન ચલાવાયું હતું, જેમાં એમઆઈ-17 હેલિકોપ્ટરની મદદથી 64 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.

દિલ્લીમાં હથિનીકુંડ બેરેજ પર 106 કલાક પછી જળસ્તર જોખમી સ્તરથી નીચે આવ્યું છે. જળસ્તર ઘટતા બેરેજના ફ્લડગેટ ખોલવામાં આવતા હિસાર-ચંડીગઢ, કોટપૂતલી-બઠિંડા અને દિલ્હી-હિસાર હાઈવે પર પાણી ભરાયા હતા. આ કારણે 70થી વધુ પરિવારોને ખસેડવા પડ્યા હતા.

રાજસ્થાનમાં હવામાન વિભાગે સિરોહી, બાલોતરા, બાડમેર અને જાલોર જિલ્લામાં આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

 

Leave a Reply

Your email address will not be published.