કાઠમંડુ: નેપાળમાં શરૂ થયેલું Gen Z યુવા આંદોલન આજે વિકરાળ સ્વરૂપે ફાટી નીકળ્યું છે. ગઈકાલે પોલીસ ફાયરિંગમાં 20 આંદોલનકારીઓનાં મોત થયા બાદ દેશભરમાં રોષ વ્યાપી ગયો છે. હિંસક ભીડે સંસદ ભવન, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલનાં નિવાસ તેમજ કેબિનેટ મંત્રીઓના ઘરોમાં આગચંપી કરી હતી. વધતી હિંસા વચ્ચે નેપાળની સેનાએ વડાપ્રધાનને રાજીનામું આપવા દબાણ કર્યું, જેના પગલે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પદ છોડ્યું છે.
કાઠમંડુ અને લલિતપુર સહિતના વિસ્તારોમાં ભારે ઉપદ્રવ જોવા મળ્યો હતો. આંદોલનકારીઓએ માહિતી અને સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરૂંગનાં ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી હતી. પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહાલ ‘પ્રચંડા’નાં ઘરે હુમલો કરાયો હતો, જ્યારે પૂર્વ ઉપપ્રધાન રઘુવીર મહાસેઠના જનકપુર સ્થિત ઘરમાં પથ્થરમારો થયો હતો.

આંદોલન દરમ્યાન નવ મંત્રીઓએ પદ છોડ્યા છે, જેમાં ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિ મંત્રી રામનાથ અધિકારી અને સ્વાસ્થ્ય મંત્રી પ્રદીપ પૌડેલ સામેલ છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 21 સાંસદોએ પણ સામૂહિક રાજીનામાં આપ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ શેર બહાદુર દેઉવાના નિવાસસ્થાન તેમજ નેપાળી કોંગ્રેસના કાર્યાલયને પણ આગ ચાંપી હતી.

ઓલીના ખાનગી નિવાસ નજીક ગોળીબારની ઘટના બની હતી, જેમાં બે લોકો ઘાયલ થયા છે. સુરક્ષા દળો મોટી સંખ્યામાં તૈનાત હોવા છતાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર છે.
આંદોલનની શરૂઆત સરકારે સોશિયલ મીડિયા પર મૂકેલા પ્રતિબંધ સામે થઈ હતી, પરંતુ યુવાનો હવે ભ્રષ્ટાચાર, અસમાનતા અને બેરોજગારીના મુદ્દે પણ લડત આપી રહ્યા છે. સરકારએ પ્રતિબંધ પાછો ખેંચ્યો હોવા છતાં વિરોધ પ્રદર્શન અટક્યા નથી.

ભારતના વિદેશ મંત્રાલયે (MEA) advisory જાહેર કરી છે, જેમાં નેપાળમાં રહેલા ભારતીયોને સાવચેતી રાખવા અને સરકારના આદેશોનું પાલન કરવા સૂચના આપી છે. મંત્રાલયે હિંસામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને શાંતિપૂર્ણ ઉકેલની આશા વ્યક્ત કરી છે.

Leave a Reply