નેપાળમાં રાજકીય સંકટ ઉગ્ર: PM ઓલીના રાજીનામા બાદ આર્મી તૈનાત, દેશભરમાં કર્ફ્યુ લાગુ

નેપાળમાં રાજકીય સંકટ ઉગ્ર: PM ઓલીના રાજીનામા બાદ આર્મી તૈનાત, દેશભરમાં કર્ફ્યુ લાગુ

નેપાળમાં રાજકીય અને સામાજિક સંકટ ચરમસીમાએ પહોંચતા વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ઊભેલા વ્યાપક પ્રદર્શનો દરમિયાન 22 લોકોનાં મોત થયા અને સેંકડો ઘાયલ થયા હતા.

આક્રોશિત પ્રદર્શનકારીઓએ સરકારી ઇમારતો, રાજકીય કાર્યાલયો અને સુપરમાર્કેટમાં આગચંપી કરી હતી, જેના કારણે પરિસ્થિતિ અતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. વધતી હિંસા અને અનિયંત્રિત ભીડને કાબૂમાં લેવા માટે નેપાળ આર્મીને તાત્કાલિક તૈનાત કરવામાં આવી છે અને દેશભરમાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.

સેના અને રાષ્ટ્રપતિએ નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા Gen-Z કાર્યકરોએ પોતાની માંગણીઓ રાષ્ટ્રપતિ અને સૈન્ય સમક્ષ રજૂ કરી છે, જેમાં આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા લોકોને સત્તાવાર ‘શહીદ’નો દરજ્જો આપવાની, તેમના પરિવારજનોને સન્માન અને રાહત આપવાની, બેરોજગારી અને સામાજિક અન્યાય સામે તાત્કાલિક પગલાં લેવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

તેઓએ સ્પષ્ટ કર્યું છે કે આ આંદોલન કોઈ પક્ષ કે વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર પેઢી અને રાષ્ટ્રના ભવિષ્ય માટે છે અને સાચી શાંતિ ફક્ત નવી રાજકીય વ્યવસ્થા દ્વારા જ શક્ય બનશે.

Gen-Z કાર્યકરોએ વર્તમાન પ્રતિનિધિ સભાને તાત્કાલિક ભંગ કરવાની, બંધારણમાં સુધારો અથવા નવી રીતે લખવાની, યુવાનો અને નિષ્ણાતોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાની, તેમજ વચગાળાનો સમયગાળો પૂરો થયા બાદ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાની માંગ કરી છે.

સાથે જ તેઓએ સીધા ચૂંટાયેલા કાર્યકારી નેતૃત્વની સ્થાપના, છેલ્લા ત્રણ દાયકામાં થયેલી ગેરકાયદેસર સંપત્તિની તપાસ અને રાષ્ટ્રીયકરણ, તેમજ શિક્ષણ, આરોગ્ય, ન્યાય, સુરક્ષા અને સંચાર જેવા ક્ષેત્રોમાં માળખાકીય સુધારાઓ અમલમાં મૂકવાની તાત્કાલિક માંગણી કરી છે.

 

Leave a Reply

Your email address will not be published.