ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં ગંગા નદીના કિનારાનું ધોવાણ છેલ્લા ચાર દિવસથી સતત વધી રહ્યું છે, જેના કારણે ગામો અને ખેતરો ડૂબી જવાના ભયથી સ્થાનિકોમાં દહેશતનું માહોલ છે. ગંગાના તેજ પ્રવાહને કારણે આશરે 500 મીટર કિનારો ગંગામાં સમાઈ ગયો છે, જેના કારણે શહેરના અમુક વિસ્તારો અને ડઝનથી વધુ ગામો પર પૂરનો ખતરો ઊભો થયો છે.
પરિસ્થિતિનો તાગ લેવા પહોંચેલા કૌશલ્ય વિકાસ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કપિલ દેવ અગ્રવાલ સામે ગ્રામજનો રડી પડ્યા અને મદદ માટે તેમના પગ પકડી આજીજી કરી. લોકોનો ગુસ્સો સિંચાઈ વિભાગની બેદરકારી પર પણ ઉતર્યો, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી કિનારાનું ધોવાણ થતું હોવા છતાં તંત્રએ સમયસર પગલાં નહોતાં લીધા.
બે દિવસ પહેલા જ બચાવ કાર્ય શરૂ થયું પરંતુ ત્યાં સુધી ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું. મંત્રી અગ્રવાલે અધિકારીઓને કડક સૂચના આપતા કહ્યું કે, કોઈપણ પરિસ્થિતિમાં કિનારો તૂટતો અટકાવવો જોઈએ અને લોકોના જીવ અને સંપત્તિને સુરક્ષિત રાખવા માટે તમામ સંભવિત પગલાં ભરવા જોઈએ.
મુખ્યમંત્રીએ પણ અધિકારીઓને કોઈ જાનહાનિ ન થવા દેવા માટે પૂરજોશ પ્રયાસો કરવાની સૂચના આપી છે. હાલ ગ્રામજનો અને પ્રશાસન મળીને રેતી ભરેલા કોથળા અને લાકડાના ટેકા લગાવીને કિનારો બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
પ્રશાસન દ્વારા નજીકના ગામોના લોકોને સુરક્ષિત સ્થળોએ જવા સૂચના અપાઈ છે અને ઘણા લોકોએ પોતાના ઘર છોડીને ઊંચી જગ્યાઓ પર ઝૂંપડીઓ બનાવીને રહેવાનું શરૂ કર્યું છે.
તેમ છતાં કિનારો હજી પણ સંપૂર્ણ સુરક્ષિત નથી અને ગ્રામજનોમાં ડર છે કે જો કિનારો તૂટી જશે તો તેમના ઘર અને ખેતરો સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે, જે તેમના જીવન પર વિનાશકારી અસર કરશે.

Leave a Reply