કાઠમંડુ જતી સ્પાઈસજેટ ફ્લાઇટમાં ટેલપાઈપમાં આગ, દિલ્હી એરપોર્ટ પર સલામતીના પગલાં લઈને પાછી બોલાવી

કાઠમંડુ જતી સ્પાઈસજેટ ફ્લાઇટમાં ટેલપાઈપમાં આગ, દિલ્હી એરપોર્ટ પર સલામતીના પગલાં લઈને પાછી બોલાવી

દિલ્હી: દિલ્હીના ઈન્ડિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાઠમંડુ જતી સ્પાઈસજેટ ફ્લાઇટ SG041ની ટેકસીંગ દરમિયાન ટેઇલપાઈપમાં આગ લાગવાની જાણ મળતાં તેને તાત્કાલિક સુરક્ષાના પગલાં તરીકે પાછી બોલાવવામાં આવી હતી.

એરલાઇનના નિવેદન અનુસાર, 11 સપ્ટેમ્બર 2025ના રોજ ફ્લાઇટ SG041ને પરત બોલાવવામાં આવી કારણ કે જમીન પર રહેલા બીજા વિમાનના પાયલોટે ટેઇલપાઈપમાં આગ લાગવાની માહિતી આપી હતી. કોકપિટમાં કોઈ ચેતવણી કે અસામાન્યતા જોવા મળી નહોતી, પરંતુ પાયલોટ્સે સલામતીના દૃષ્ટિકોણથી ઉડાન પાછી કરવાનો નિર્ણય લીધો હતો.

આ ઘટના બાદ ફ્લાઇટને તાત્કાલિક અટકાવીને મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપી હતી. બોઇંગ 737-8 વિમાનની વિગતવાર તકનીકી તપાસ કરવામાં આવી જેમાં કોઈ ખામી કે અસામાન્યતા જોવા મળી નહોતી અને વિમાનને ફરીથી ઉડાન માટે યોગ્ય જાહેર કરવામાં આવ્યું છે.

ટેઇલપાઈપમાં આગ, જેને આંતરિક આગ પણ કહેવાય છે, સામાન્ય રીતે વિમાન જમીન પર હોઈ ત્યારે એન્જિન શરૂ અથવા બંધ થતી વખતે થાય છે.

આ ઘટના વિમાન ઉડાન ભરતા પહેલા ઘટવાથી કોઈ મોટી દુર્ઘટના ટળી અને મુસાફરોને સુરક્ષિત રીતે વ્યવસ્થિત રીતે ઉતારવામાં આવ્યા. હજી સુધી ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યા જાહેર કરવામાં આવી નથી, પરંતુ એરલાઇન દ્વારા તમામ જરૂરી સલામતી પગલાં લેવામાં આવ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published.