નેપાળમાં રાજકીય અસ્થિરતા વચ્ચે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ શુક્રવારે રાત્રે વચગાળાના વડાંપ્રધાન તરીકે શપથ લીધો. 73 વર્ષની કાર્કી દેશની પ્રથમ મહિલા વડાંપ્રધાન બની છે. કાઠમાંડુ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલे તેમને શપથ અપાવ્યો. સમારંભમાં મુખ્ય ન્યાયાધીશ, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા દળોના વડાઓ અને રાજદ્વારી સમુદાયના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
પૂર્વ વડાંપ્રધાન કે.પી. શર્મા ઓલીના રાજીનામા બાદ ઘણા દિવસોથી રાજકીય અનિશ્ચિતતા છવાઈ હતી. ઓલી સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા હતા. હિંસક આંદોલનના ત્રણ દિવસ પછી ઓલીને પદ છોડવું પડ્યું અને ત્યારબાદ સુશીલા કાર્કીને વચગાળાની સરકારનું નેતૃત્વ સોંપવામાં આવ્યું.
કાર્કીની નિમણૂક વખતે હામી નેપાળ NGO, જેણે Gen-Z આંદોલનનું નેતૃત્વ કર્યું હતું, એ ત્રણ શરતો મુકી હતી. તેમાં હાલની સંસદને ભંગ કરવી, સપ્ટેમ્બર મહિનાના આંદોલન દરમિયાન થયેલા હત્યાકાંડની ન્યાયિક તપાસ કરવી અને પૂર્વ વડાંપ્રધાન ઓલી સહિત તમામ મંત્રીઓની સંપત્તિની તપાસ કરવા ન્યાયિક સત્તા રચવાની માંગ સામેલ છે.
વચગાળાની સરકાર માત્ર છ મહિના સુધી કાર્યરત રહેશે અને આ અવધિ દરમિયાન નવી સંસદીય ચૂંટણી યોજાશે. સુશીલા કાર્કી પર નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી કરાવવાની જવાબદારી સોંપાઈ છે.
ભારતએ આ રાજકીય પરિવર્તનનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર નેપાળમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપશે. ભારતે સ્પષ્ટ કર્યું કે નજીકના પડોશી અને લોકશાહી ભાગીદાર તરીકે તે નેપાળની સમૃદ્ધિ અને લોકોના હિત માટે હંમેશા સાથે રહેશે.

Leave a Reply