લખનઉ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઈટ ટેકઑફ વખતે રોકાઈ, 151 યાત્રીઓ સુરક્ષિત

લખનઉ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઈટ ટેકઑફ વખતે રોકાઈ, 151 યાત્રીઓ સુરક્ષિત

લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ પર રવિવારે સવારે મોટી દુર્ઘટના ટળી હતી. દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટ ટેકઑફ દરમિયાન અચાનક રનવે પર અટકી ગઈ હતી.

કેપ્ટનની સમયસૂચકતા અને તકેદારીને કારણે વિમાનમાં સવાર 151 યાત્રીઓનો જીવ બચી ગયો હતો. આ ફ્લાઈટમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની અને સાંસદ ડિમ્પલ યાદવ પણ સવાર હતા.

મીડિયા સૂત્રો અનુસાર, ફ્લાઈટ રનવે પરથી ટેકઑફ માટે દોડતી હતી પરંતુ જરૂરી થ્રસ્ટ ન મળતા તે હવામાં ઉડી શકી નહોતી. કેપ્ટને તરત જ ઇમરજન્સી બ્રેક લગાવી વિમાનને રનવેના અંતિમ ભાગ પહેલા જ રોકી દીધું હતું.

ઘટનાથી યાત્રીઓમાં ભયનું માહોલ સર્જાયો હતો, જોકે તમામ યાત્રીઓ સુરક્ષિત રહ્યા હતા. બાદમાં તમામને બીજી ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

આવી જ ઘટના સુરતથી દુબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં પણ બની હતી. ઉડાન દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાતા વિમાનને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તાત્કાલિક ઉતારવામાં આવ્યું હતું. આ વિમાનમાં 170થી વધુ યાત્રીઓ સવાર હતા.

અધિકારીઓએ જણાવ્યું કે આ ઇમરજન્સી લેન્ડિંગ નહોતું પરંતુ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવાયેલ તકેદારીનો ભાગ હતો. ઈન્ડિગો એરલાઈન્સે તાત્કાલિક બીજું વિમાન ઉપલબ્ધ કરાવી મુસાફરોને સુરક્ષિત રીતે દુબઈ મોકલી દીધા હતા.

 

Leave a Reply

Your email address will not be published.