રાજસ્થાનના જયપુર શહેરના શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રવિવારે થયેલ આ અકસ્માતમાં એક ઓવરસ્પીડ કાર અંડરપાસમાં ખાબકી ગઈ, જેમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા. દુર્ઘટનામાં બે બાળકો અને બે મહિલાઓ પણ સામેલ છે, જેના કારણે પરિવારમાં અને તેમના ગામમાં શોકનો માહોલ છે.
માહિતી અનુસાર, કાલૂરામ પોતાના પરિવાર સાથે હરિદ્વારથી પરત ફરતા હતા, જ્યાં તેઓ તેમના પિતાની અસ્થિને ગંગામાં વિસર્જિત કર્યા હતા.
શિવદાસપુરા નજીક તેમની ગાડી અચાનક બેકાબૂ થઈને રિંગરોડના ડિવાઇડર સાથે અથડાઈ ગઈ અને લગભગ 16 ફૂટ ઊંડા અંડરપાસમાં ખાબકી. કાર ખાબકતા અંડરપાસમાં પાણી ભરાયું હતું.
દુર્ઘટનામાં શામેલ પરિવારના સભ્યોમાં કાલૂરામ, તેમની પત્ની સીમા, ભાઈ રામરાજ અને પત્ની મધુ, 14 મહિનાનો દીકરો રૂદ્ર, રોહિત અને 3 વર્ષનો દીકરો ગજરાજ સામેલ છે.

આ પરિવાર મૂળ અજમેર જિલ્લાના કેકડીનો અને જયપુરના વાટિકા વિસ્તારમાં નિવાસી છે. સમગ્ર પંથકમાં આ દુર્ઘટનાથી શોકની લહેર પ્રસરી ગઈ છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માત શનિવાર રાત્રે થયો હતો, પરંતુ દુર્ઘટનાની જાણ રવિવારે બપોરે મળી જ્યારે સ્થાનિક લોકોએ પાણીથી ભરેલા અંડરપાસમાં કાર જોઈ.
પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢી. શિવદાસપુરા પોલીસ અધિકારી સુરેન્દ્ર સૈનીએ જણાવ્યું કે, “કારમાં સવાર તમામ સાત લોકો મૃત મળી આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.”
આ દુર્ઘટના મોડી રાત્રે ઓવરસ્પીડ અને રસ્તાના ખતરનાક પરિસ્થિતિઓને કારણે બની હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply