પિચ વિવાદમાં ગાવસ્કરનું ગૌતમ ગંભીરને સમર્થન, કહ્યું- વાંક ખેલાડીઓનો હતો, પિચનો નહીં
Updated: Nov 18th, 2025
GS TEAM
IND vs SA Test, Pitch Controversy : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ બાદ ઈડન ગાર્ડન્સની પિચ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. તમામ દિગ્ગજો પિચની ટિકા કરી રહ્યા છે. અસામન ઉછાળ વાળી ટર્નિંગ પિચ બેટ્સમેનો માટે હારનું કારણ સાબિત થઈ પરંતુ કોચ ગંભીરે ખુલીને કહ્યું કે, પિચ એવી જ બની હતી જેવી તેમણે માગ કરી હતી. આ કારણોસર ગંભીરની પણ ટિકા થઈ રહી છે. આ વચ્ચે હવે મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ગૌતમ ગંભીરનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, ભારતની હાર પિચના કારણે નહીં પરંતુ ખરાબ બેટિંગના કારણે થઈ છે.
ગૌતમ ગંભીરને હું સંપૂર્ણ સમર્થન કરું છું
સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ‘હું ગૌતમ ગંભીરને સંપૂર્ણ સમર્થન કરું છું. આ પિચ પર 124 રનનો ટારગેટ સરળતાથી ચેઝ કરી શકાતો હતો. આ બાબતને લઈને કોઈ સવાલ જ નથી.’
ગાવસ્કરે આગળ કહ્યું કે, ઘણા લોકો પિચ અંગે વાતો કરી રહ્યા છે પરંતુ જો તમે સાઈમન હાર્મરની ઓવર પર નજર કરો તો તેના કેટલા બોલ ટર્ન લઈ રહ્યા હતા? તે શાનદાર રીતે મિશ્રણ કરી રહ્યો હતો. તે સીધા બોલ ફેંક્યા અને એક-બે બોલ ટર્ન પણ કરાવ્યા. દક્ષિણ આફ્રિકન બોલર હાર્મરે મેચમાં 8 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમની હારનું પિચ સાથે કોઈ લેવા-દેવા જ નથી
સુનીલ ગાવસ્કરે ગંભીરનું સમર્થન કરતા કહ્યું કે, ‘ભારતીય ટીમની હારનું પિચ સાથે કોઈ લેવા-દેવા જ નથી. ખરી સમસ્યા તો ભારતીય બેટ્સમેનોના અપ્રોચની હતી. પિચ તો એવી રીતે જ બિહેવ કરી રહી હતી, જેવી ત્રીજા દિવસે સામાન્ય રીતે થાય છે. પિચ એવી નહોતી જેટલી તેની ટીકા થઈ રહી છે.’
પિચમાં બિલકુલ પણ ગરબડ નહોતી
ગાવસ્કરે કહ્યું કે, ‘હું ગૌતમ ગંભીર સાથે સંપૂર્ણપણે સહમત છું કે પિચમાં કંઈ ખોટું નહોતું. ત્રીજા દિવસે કેટલાક બોલ ટર્ન થઈ રહ્યા હતા, તે તો નોર્મલ છે. મહારાજ (કેશવ મહારાજ)ના કેટલા બોલ ટર્ન થયા? જાડેજા કે અક્ષરના કેટલા બોલ ટર્ન થયા? લોકો તેને ટર્નિંગ પિચ કહી રહ્યા છે. આ પિચમાં બિલકુલ પણ ગરબડ નહોતી. ખરાબ ટેકનિક અને ખરાબ મિજાજના કારણે આપણે પરિસ્થિતિમાં ફસાયા.’
આ પણ વાંચો: IND VS SA : પિચ કે બેટિંગ, કોલકાતા ટેસ્ટની હાર માટે કોણ જવાબદાર? જુઓ ગંભીરનો જવાબ
ભારતની કારમી હાર
દક્ષિણ આફ્રિકાએ કોલકાતા ટેસ્ટમાં જીત હાંસલ કરીને બે મેચની સીરિઝમાં 1-0 થી અજેય લીડ હાંસલ કરી લીધી છે. જો મહેમાન ટીમ ગુવાહાટીમાં બીજી ટેસ્ટ જીતી જાય અથવા ડ્રો પણ કરે, તો તે સીરિઝ જીતી જશે. કોલકાતા ટેસ્ટ માત્ર અઢી દિવસમાં પૂર્ણ થઈ હતી. ભારતમાં પહેલીવાર કોઈ પણ ટીમ ટેસ્ટની ચારેય ઈનિંગ્સમાં 200 રનનો આંકડો પણ ન સ્પર્શી શકી. ટીમ ઇન્ડિયાને પોતાની બીજી ઈનિંગ્સમાં 124 રનનો ટારગેટ મળ્યો હતો, પરંતુ તે માત્ર 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 30 રનથી મેચ હારી ગઈ હતી.

Leave a Reply