Updated: Jan 23rd, 2026
GS TEAM

Prashant Veer Injured: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની શરૂઆત પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું ટેન્શન વધી ગયું છે. IPL ઓક્શનમાં સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી પર દાવ લગાવનારી ફ્રેન્ચાઈઝીને અચાનક મોટો ઝટકો લાગ્યો છે. ટીમે 14.20 કરોડ રૂપિયામાં ઓલરાઉન્ડર પ્રશાંત વીરને ખરીદ્યો હતો. પરંતુ રણજી ટ્રોફી મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો છે, જેના કારણે IPL 2026માં તેની ઉપલબ્ધતા અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે. ફિલ્ડિંગ દરમિયાન તેના જમણા ખભામાં ઈજા થઈ છે.
ફિલ્ડિંગ દરમિયાન પહોંચી ઈજા
પ્રશાંત વીરને આ ઈજા ઉત્તર પ્રદેશ અને ઝારખંડ વચ્ચેની રણજી ટ્રોફી મેચ દરમિયાન થઈ હતી. મેચની 30મી ઓવરમાં મિડ-ઓફ પર ફિલ્ડિંગ કરતી વખતે તેણે શિખર મોહનના એક શાનદાર શોટને રોકવા માટે જમણી બાજુ ડાઈવ લગવી. બોલ તો અટકી ગયો, પરંતુ તેનો જમણો ખભા જમીન પર જોરથી અથડાયો અને તે પડી ગયો. તે ઘણા સમય સુધી પીડાથી મેદાન પર પડ્યો રહ્યો. ફિઝિયોએ તરત જ પેઈન રિલીફ સ્પ્રેનો ઉપયોગ કર્યો, પરંતુ બાદમાં તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો અને સ્કેન માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો.
શરૂઆતના રિપોર્ટ્સ પ્રમાણે પ્રશાંત વીરને ગ્રેડ 2 ટિયરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે તે ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી રમતથી દૂર રહી શકે છે. IPL 2026 માર્ચના અંતમાં શરૂ થવાની હોવાથી સમય જતાં તેની ફિટનેસ પર દબાણ વધશે. IPL શરૂ થવામાં બે મહિનાથી ઓછો સમય બાકી હોવાથી, જો તેની રિકવરીમાં વિલંબ થાય તો CSKને અન્ય વિકલ્પો શોધવા પડી શકે છે.
આ પણ વાંચો: વધુ એક દેશ પર હુમલો કરશે અમેરિકા? અનેક સૈન્ય જહાજો રવાના, સામે જવાબ મળ્યો- અમારી આંગળી પણ ટ્રિગર પર જ છે
ઓક્શનમાં રચ્યો હતો ઈતિહાસ
IPL 2026ના મીની ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ઉત્તર પ્રદેશના ઓલરાઉન્ડર પ્રશાંત વીર પર વિશ્વાસ મૂક્યો હતો. 14.20 કરોડની બોલી સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો. ચાહકોએ તેને ફ્રેન્ચાઈઝીમાં રવિન્દ્ર જાડેજાનો રિપ્લેસમેન્ટ કહ્યો છે. જોકે, સીઝનની શરૂઆત પહેલા થયેલી આ ઈજાએ CSK માટે સ્થિતિ ગંભીર બનાવી દીધી છે.

Leave a Reply