Yuvraj Singh Reveals Real Reason For Quitting Cricket: યુવરાજ સિંહે જૂન 2019માં વનડે વર્લ્ડ કપની વચ્ચે જ સંન્યાસનું એલાન કરી દીધું હતું. હવે તેણે પોતાના નિર્ણય પાછળના અસલી કારણો જણાવ્યા છે. યુવરાજે કહ્યું કે, તે સમયે હું ખુદને અલગ-થલગ અનુભવી રહ્યો હતો. મને લાગતું હતું કે, કોઈ મારા ખેલનું સન્માન નથી કરી રહ્યું. યુવરાજ સિંહે 2019માં IPL અને ઇન્ટરનેશનલ ક્રિકેટ બંનેમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તે 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યો હતો પરંતુ ત્યારબાદ તેને બહાર કરી દેવામાં આવ્યો હતો.
સાનિયા મિર્ઝા સાથે યુવરાજ ‘સર્વિંગ ઇટ અપ વિથ સાનિયા’ યુટ્યુબ પોડકાસ્ટમાં વાત કરી રહ્યો હતો. સાનિયાએ આ દરમિયાન તેની સામે હૈદરાબાદમાં ડિનર દરમિયાન થયેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો. સાનિયાએ યુવરાજને પૂછ્યું કે, ‘મને તે સમય વિશે જણાવો જ્યારે તમે સંપૂર્ણ ક્ષમતા સાથે રમી નહોતા રહ્યા. ત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું હતું?’
ન તો માન મળતું હતું ન તો સપોર્ટ
યુવરાજે કહ્યું કે, ‘સાચું કહું તો તે સમયે હું મારી ગેમ એન્જોય નહોતો કરી રહ્યો. ત્યારે મેં મારી જાતને સવાલ કર્યો કે આખરે હું કેમ રમી રહ્યો છું. ન તો મને કોઈનો સપોર્ટ મળી રહ્યો છે અને ન તો રિસ્પેક્ટ મળી રહી છે. ત્યારે મેં વિચાર્યું કે, જો હું આગળ નથી વધી શકતો, તો હું મારી જાતને બળજબરી પૂર્વક કેમ ખેંચું. જ્યારે આ રમતે મને ઘણું બધું આપ્યું છે. જે કામ કરાવામાં મને આનંદ નથી આવી રહ્યો, તેની સાથે કેમ ચોંટેલો રહું. મારે રમવાની શું જરૂર છે. મારે શું સાબિત કરવું છે. હું શારીરિક અને માનસિક રીતે આનાથી વધુ કંઈ ન કરી શકું. મને તેનાથી તકલીફ થઈ રહી છે. અને જે દિવસે હું અટક્યો તે જ દિવસે હું મારી જાતને અનુભવવા લાગ્યો.’
યુવરાજે આગળ કહ્યું કે, જ્યારે મને લાગ્યું કે, હવે નહીં થશે તો તે જ દિવસે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. ક્રિકેટ બાદ ગોલ્ફના અનુભવો શેર કરતાં યુવરાજે કહ્યું કે, આ રમત મારા માટે સ્વતંત્રતા જેવી છે. તેણે ગોલ્ફને એક એવી રમત ગણાવી, જે તે માત્ર પોતાના માટે રમે છે, કોઈપણ દેશ કે ટીમના દબાણ વિના. મિત્રો સાથે રમવું, હળવી સ્પર્ધા અને લાંબા શોટ મારવાની લાગણી તેને ક્રિકેટમાં છગ્ગા ફટકારવાની યાદ અપાવે છે. યુવરાજના મતે ગોલ્ફ તેને માનસિક શાંતિ આપે છે અને તેને ફિટ રહેવામાં પણ મદદ કરે છે.
44 વર્ષીય યુવરાજે કહ્યું કે, ‘મને રમવામાં મજા નહોતી આવી રહી. આ સાથે જ સન્માન અને સપોર્ટ પણ ન મળ્યો. આના કારણે મારે સંન્યાસ લેવાનો નિર્ણય લેવો પડ્યો. સાનિયા મિર્ઝા સાથે વાત કરતાં યુવરાજે આગળ કહ્યું કે, “મને મારી રમતમાં મજા નહોતી આવી રહી. મને એવું લાગતું હતું કે જો મને આ રમતનો આનંદ જ નથી આવી રહ્યો તો હું આ રમત કેમ રમી રહ્યો છું? મને કોઈનો સપોર્ટ નહોતો મળી રહ્યો. મારું સન્માન નહોતું થતું. અને મને લાગ્યું કે હું આવું કેમ કરી રહ્યો છું.’
શું BCCIમાં સિલેક્ટર અથવા મોટી ભૂમિકા ભજવશે યુવરાજ?
જ્યારે યુવરાજને વહીવટીતંત્ર કે સિલેક્શન કમિટિમાં જોડાવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘હાલમાં મારી પ્રાથમિકતા પોતાના બાળકો સાથે સમય વિતાવવાની છે. તેઓ હજુ નાના છે અને હું આ સમય મિસ કરવા નથી માગતો.’ જોકે, તેણે સ્વીકાર્યું કે, ‘ભવિષ્યમાં IPLમાં કોચિંગ અથવા મેન્ટરશિપની ભૂમિકા મને આકર્ષિત કરે છે, કારણ કે મને યુવા ખેલાડીઓ સાથે વાતચીત કરવી અને માર્ગદર્શન આપવું પસંદ છે.’
સ્વાસ્થ્ય અને ફિટનેસ પર વાત કરતાં યુવરાજે જણાવ્યું કે, નિવૃત્તિ બાદ રુટિન જાળવી રાખવું પડકારજનક હોય છે, પરંતુ હવે હું મારા શરીરને વધુ સારી રીતે સમજુ છું. તેણે ઈજાઓને દરેક ખેલાડીના જીવનનો એક ભાગ ગણાવ્યો અને કહ્યું કે, આજના સમયમાં ઈન્જરી મેનેજમેન્ટ, રિકવરી અને ફિટનેસ અંગે જાગૃતિ ખૂબ વધી ગઈ છે.
જ્યારે માતા માટે ખરીદ્યું ઘર, ત્યારે કેવો હતો યુવીનો અનુભવ
યુવરાજે પોતાની માતા માટે ઘર ખરીદવાના અનુભવને ખૂબ જ ભાવનાત્મક ક્ષણ ગણાવી. તેણે કહ્યું કે પોતાની પહેલી કમાણીથી પોતાની માતાને તેનું પોતાનું ઘર આપવું એ મારા જીવનની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક હતી. બીજી તરફ પોતાના બાળકો સાથેના સંબંધોનો યુવરાજે તેની પત્ની હેઝલને શ્રેય આપ્યો, જેણે તેને શરુઆતથી જ બાળકો સાથે જોડાવા પ્રેરિત કર્યો. યુવરાજે કહ્યું કે, ભલે હું યાત્રાઓના કારણે તેમનાથી દૂર રહ્યો, પરંતુ બાળકો સાથે મારો સંબંધ મજબૂત છે.
કેન્સર દરમિયાન યુવરાજ સામે કયો સૌથી મોટો નિર્ણય હતો?
યુવરાજે પોડકાસ્ટમાં પોતાના જીવન અને કરિયર સાથે સબંધિત ઘણા અંગત અને ભાવનાત્મક પાસાઓ ખુલ્લીને શેર કર્યા. યુવરાજે જણાવ્યું કે, મને એક સમયે ડૉક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, મારી પાસે હવે 3થી 6 જ મહિનાનો સમય છે અને મારી સામે માત્ર બે જ રસ્તા હતા. કાં તો ક્રિકેટ રમવાનું ચાલુ રાખો અને મેદાન પર પોતાનો જીવ ગુમાવી દો અથવા તો સારવાર કરાવો. યુવરાજે આને તેના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય ગણાવ્યો.
આ પણ વાંચો: ‘એટલી હિમ્મત જ નથી…’, T20 વર્લ્ડ કપના બહિષ્કારની ચેતવણી ઉચ્ચારતા પાકિસ્તાનને રહાણેએ તતડાવ્યું
કરિયરના અંતિમ તબક્કામાં યુવરાજ ખુદને કેમ તૂટેલો અનુભવી રહ્યો હતો?
યુવરાજે સ્વીકાર્યું કે, કરિયરના અંતિમ તબક્કામાં ક્રિકેટ મારા માટે બોજ બની ગયું હતું. હું ન તો ખુદને સમર્થિત અનુભવી રહ્યો હતો અને ન તો સન્માનિત. યુવરાજે કહ્યું કે, જ્યારે રમતમાં ઉતરતા જ મન ભારે થઈ જાય તો, એ સમજાઈ જાય છે કે, કંઈક ખોટું છે. આ જ કારણ હતું કે મેં આખરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી.
6 છગ્ગા પાછળ ગુસ્સો હતો કે જૂનૂન?
2007ના T20 વર્લ્ડ કપમાં પોતાના ઐતિહાસિક છ છગ્ગા અંગે યુવરાજે કહ્યું કે તે ક્ષણ સંપૂર્ણ રીતે ભાવનાઓથી ભરેલી હતી. ઇંગ્લૅન્ડ સામેની મેચ દરમિયાન એન્ડ્રુ ફ્લિન્ટોફ સાથે થયેલી દલીલે મને અંદરથી હચમચાવી મૂક્યો હતો. ગુસ્સામાં મેં મારી તમામ શક્તિ બોલ પર ફોકસ કરવામાં લગાવી દીધી અને આ જ ગુસ્સો મારી તાકાત બની ગયો. તે દિવસે બધું મારા પક્ષમાં ચાલી રહ્યું હતું અને હું છેલ્લી ક્ષણ સુધી બોલ જોઈ શકતો હતો.

Leave a Reply