વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દેશના આર્થિક વિકાસ પર નોંધપાત્ર નિવેદન આપતાં, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મુદ્દે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, આર્થિક પડકારો વચ્ચે પણ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો જીડીપી 7.8 ટકા વધ્યો છે, જે 6.5 ટકાના અંદાજ કરતાં વધુ અને ગયા વર્ષે સમાન સમયગાળાની તુલનાએ 1.3 ટકા વધારે છે. આ છેલ્લા પાંચ ત્રિમાસિકમાં સૌથી વધુ જીડીપી વૃદ્ધિ છે, જેમાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, કૃષિ અને કન્સ્ટ્રક્શન સહિતના તમામ સેક્ટરોનો મહત્વનો યોગદાન છે.
પીએમ મોદીએ સેમિકોન ઇન્ડિયા 2025ના ઉદ્ધાટન પ્રસંગે ભારતની પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ ચીપ – વિક્રમ 32-બિટ પ્રો માઇક્રોપ્રોસેસરનું લોકાર્પણ કર્યું. આ ચીપ ઈસરોના સેમિકન્ડક્ટર લેબોરેટરી દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તે કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઇસ માટે અત્યંત જરૂરી ઘટક તરીકે કામ કરશે. કોમર્શિયલ ઉત્પાદન આ વર્ષથી શરૂ થશે અને ભારતને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ પગલુ ગણાશે.
સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ 2022માં બેંગલુરુમાં શરૂ થયું હતું, ત્યારબાદ 2023માં ગાંધીનગર અને 2024માં નોઇડામાં યોજાયું હતું. હાલ દિલ્હીમાં યોજાતા આ વર્ષના કોન્ફરન્સમાં સેમિકન્ડક્ટર ફેબ્સ, એડ્વાન્સ્ડ પેકેજિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રિસર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

Leave a Reply