રીવા જિલ્લામાં 25 લાખમાં બનેલું તળાવ ગાયબ! શોધી લાવનારને ઈનામ મળશે

રીવા જિલ્લામાં 25 લાખમાં બનેલું તળાવ ગાયબ! શોધી લાવનારને ઈનામ મળશે

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ₹25 લાખના ખર્ચે બનેલું તળાવ જ ગાયબ થઈ ગયું છે. આ ખુલાસો એક RTI દ્વારા થયો છે. મળેલી માહિતી અનુસાર, ‘અમૃત સરોવર’ યોજના હેઠળ 9 ઓગસ્ટ, 2023ના રોજ પૂર્વા મનીરામ ગામના કઠૌલી વિસ્તારમાં જમીન નંબર 117 પર તળાવ બનાવાયું હોવાનો દાવો છે.

પરંતુ હકીકતમાં ત્યાં કોઈ તળાવ અસ્તિત્વમાં જ નથી. ગામના સરપંચ ધીરેન્દ્ર તિવારીએ, જે ભાજપના રાયપુર મંડળના ઉપાધ્યક્ષ પણ છે, નાળા પર નાનો બંધ બાંધીને પોતાની ખાનગી જમીન (જમીન નંબર 122) પર પાણી ભેગું કર્યું અને તેને તળાવ દર્શાવીને ₹24.94 લાખની સરકારી રકમ ઉપાડી લીધી હોવાનો આરોપ છે.

આ મામલો સામે આવ્યા બાદ કલેક્ટર પ્રતિભા પાલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યપાલક અધિકારીએ સરપંચ પાસેથી એક અઠવાડિયામાં આખી રકમ વસૂલવાના આદેશ આપ્યા હતા. ગેરરીતિ છુપાવવા માટે સરપંચે પોતાની જમીનનો એક ટુકડો સરકારને દાનમાં આપવાનો પ્રયાસ કર્યો હતો.

ચાકઘાટ પોલીસ ઈન્સ્પેક્ટર ઘનશ્યામ તિવારીએ જણાવ્યું કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તપાસ ચાલુ છે. બીજી તરફ, ગામજનો ઢોલ વગાડી તળાવ શોધી આપનારને ઈનામ આપવાની જાહેરાત કરી રહ્યા છે. વિસ્તારના બીજા કેટલાક તળાવ પણ ગાયબ થવાના આરોપો સામે આવ્યા છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ છે.

 

Leave a Reply

Your email address will not be published.